<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

અમદાવાદથી 5 કલાકમાં ભુજ પહોંચી 12 AC કૉચ સાથેની 'વંદે મેટ્રો' ટ્રેન : ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન

વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી નીકળ્યા બાદ 110 કિ.મી/ પ્રતિકલાકની ઝડપે દોડીને 5 કલાક બાદ 12:59 મિનિટે ભુજ પહોંચી:બપોરે 13:40 કલાકે ફરીથી અમદાવાદ જવા રવાના

અમદાવાદ :ભારતીય રેલવે 'વંદેભારત એક્સપ્રેસ' ટ્રેન બાદ હવે ઓછા અંતરે આવેલા બે શહેરો વચ્ચે 'વંદે મેટ્રો' ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ થી કચ્છના ભુજ વચ્ચે દોડતી પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ આજે સફળતાપૂર્વક સંપન્ન થયો છે. જેથી ટૂંક સમયમાં આ રૂટ પર 'વંદે મેટ્રો' શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

12 AC કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી નીકળ્યા બાદ 110 કિ.મી/ પ્રતિકલાકની ઝડપે દોડીને 5 કલાક બાદ 12:59 મિનિટે ભુજ પહોંચી હતી. જ્યાંથી બપોરે 13:40 કલાકે ફરીથી અમદાવાદ જવા રવાના થઈ હતી. જ્યા રેલવે વિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફના સભ્યોએ ચકાસણી કરી હતી. જે બાદ ટ્રેન બપોરે 13.40 મિનિટે પરત અમદાવાદ જવા માટે રવાના થઈ હતી.

 

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અમદાવાદ-ભુજ રૂટ પર વંદે મેટ્રો શરૂ થવાની શક્યતા હતી. આ માટે 12 કોચનું રેક ICF ચેન્નાઈથી અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યું હતુ.

ગુજરાતમાં વંદે મેટ્રો માટે ગાંધીનગર થી સુરતના રૂટની પણ દરખાસ્ત રેલવે વિભાગને મળી છે. જો કે હવે ટ્રાયલ સફળ થતાં ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં પ્રથમ વંદે મેટ્રો દોડવાની શક્યતા જોવા મળી રહી છે. જો કે રેલવે વિભાગ દ્વારા આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

12 AC કોચ ધરાવતી વંદે મેટ્રો ટ્રેનના દરેક કોચ CCTVથી સજ્જ હશે. જેમાં મુસાફરોને આરામદાયક સફરની સુવિધા માટે સોફા ચેર લગાવવામાં આવ્યા છે. આ સાથે જ દરેક કૉચમાં વૉશ બેસિન, ટૉઈલેટ, ઓટોમેટિક ગેઈટ, LED ડિસ્પ્લે, મોબાઈલ ચાર્જીંગ શૉકેટ સહિતની સુવિધા મળશે. ખાસ વાત એ છે કે, વંદે મેટ્રોમાં મુસાફરી કરવા માટે પેસેન્જર્સને રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં રહે.

(8:05 PM IST)