તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st September 2024
વરસાદ બાદ વિરમગામ તાલુકામાં યુદ્ધના ધોરણે શરૂ કરાઇ રોડ રસ્તાના સમારકામની કામગીરી
-વિરમગામ, દેત્રોજ, માંડલના ગામોના રસ્તાઓ કરાયા મોટરેબલ : માર્ગ અને મકાન પેટા વિભાગ વિરમગામ (રાજ્ય) હસ્તકના ૧૫૦ કી.મી રસ્તાઓ પર જરૂરી સમારકામની કામગીરી કરાઇ પૂર્ણ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : રાજ્યમાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના લીધે ઘણા જિલ્લાઓમાં પરિવહન સેવાઓને અસર થઈ હતી. વોટર લોગીંગ અને પૂરની પરિસ્થિતિના લીધે ઘણા જિલ્લાઓમાં રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. વરસાદના વિરામ બાદ અમદાવાદ જિલ્લાના વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકાના ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ, મકાન વિભાગ દ્વારા ક્ષતિ પામેલા રોડ રસ્તાઓ સહિત ગામોને જોડતા મુખ્ય માર્ગોને રીપેરીંગ કરીને પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકામાં તા. ૨૬ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધી થયેલ સાર્વત્રિક ભારે વરસાદ તથા ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન માર્ગ અને મકાન પેટા વિભાગ વિરમગામ (રાજ્ય) હસ્તકના કુલ ૩૨૦ કી.મી લંબાઈના રાજ્ય રસ્તા તથા એમ.ડી.આર રસ્તાઓ પૈકી અંદાજે ૧૫૦ કી.મી રસ્તા પર પૂરના પાણી ફરી વળ્યા હતા. જેમાં પૂર / વરસાદનું પાણી ઉતરતા સમારકામની જરૂરીયાત ઉભી થઇ હતી. જેને ધ્યાને લેતા 30 ઓગસ્ટના રોજ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને માર્ગ અને મકાન પેટા વિભાગ વિરમગામ (રાજ્ય) દ્વારા મુખ્ય માર્ગો જેવા કે (૧) વિરમગામ – બેચરાજી (એસ.એચ-૭) (૨) વરમોર વિઠ્ઠલાપુર દેત્રોજ કડી રોડ (એસ.એચ ૧૩૩ ) (૩) વિરમગામ વઢવાણ સુરેન્દ્રનગર (એસ.એચ ૧૭) (૪) રામપુરા -છનીયાર – ઉઘરોજ (એમ.ડી.આર ) (૫) વિરમગામ માંડલ દશાડા ( એસ.એચ -૧૮) (૬) કટોસણ – સાદરા-ભોયણી (એમ.ડી.આર ) (૭) વિરમગામ – ખુડ્દ -રામપુરા (એસ.એચ ૧૩૫) સહિતના રસ્તાઓ પર પર સમારકામની પ્રક્રીયા નાયબ કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન પેટા વિભાગ રાજ્ય ) વિરમગામના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી અને ટૂંકા ગાળામાં મોટાભાગના રસ્તાઓના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
