<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

દેડિયાપાડા તાલુકામાં મુશળધાર વરસાદ ખાબકતા કુંભખાડીનો પુલ તૂટી જતા વાહન વ્યવહાર બંધ

લો લેવલ પુલ હોવાને કારણે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પુલ તૂટી જાય છે. ઊંચો પુલ બનાવવા ગ્રામજનોની માંગ: ત્રણ દિવસથી પુલ તૂટી જતા હાલ ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ૭ કિમીનો ફેરો કરવો પડે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં તાજેતરમાં ૯ ઈંચ થી વધારે વરસાદ ખાબકતાં કુંભ ખાડી પરનો પુલ તુટી જતાં લોકો અને વાહન ચાલકોને અવર જવર માટે તકલીફ વેઠવી પડે છે
દેડિયાપાડા તાલુકામાં છેલ્લા પાંચેક દિવસથી ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. દેડિયાપાડા તાલુકામાં આવેલ કુંભખાડી ગામને તાલુકા મથકે જોડતા રસ્તામાં આવતો પુલ ભારે વરસાદ ને પગલે તૂટી જતા હાલ વાહનવ્યવહાર બંધ થયો છે.  ગામ લોકોનું કહેવું છે કે લો લેવલ પુલ હોવાને કારણે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પુલ ઉપરથી નદીનું પાણી જાય છે અને પુલ તૂટી જાય છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ચોમાસામાં ત્રણથી ચાર વાર માટીનું પુરાણ કરી દેવાય છે જેને કારણે દર વર્ષે સમસ્યા ત્યાં ની ત્યાં જ રહે છે. છેલ્લા ત્રણ દિવસથી પુલ તૂટી જતા હાલ ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ૭ કિમીનો ફેરો કરવો પડે છે. શાળા- કોલેજ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ તાલુકા મથકે પોતાના કામો માટે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામ લોકોની માંગણી છે કે આ પુલ નવો અને ઊંચો બનાવવામાં આવે

(11:16 PM IST)