<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

'લીલા દુષ્કાળ'થી અસરગ્રસ્ત ખેડૂતો પાયમાલઃ વાવેતર અને જમીન ધોવાણની સહાય ચૂકવો

તાત્કાલિક સર્વે જરૂરીઃ મુખ્યમંત્રીને વિપક્ષી નેતા અમિત ચાવડાનો પત્ર

રાજકોટ,તા. ૩૦: વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે રાજયમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં ઉભા પાક તેમજ જમીન ધોવાણના કારણે ભારે નુકશાન થયું છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા, આણંદ, સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં સતત અતિભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું છે.

ખેડૂતોએ લોન કે વ્યાજે નાણા લઈને ખાતર, બિયારણ અને દવા સહિતના ખર્ચાઓ કરેલ તે વાવેતર કરેલ પાક નાશ પામતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. અમુક જિલ્લાઓમાં તો ચોમાસાની સીઝનમાં બીજી વખત અતિ ભારે વરસાદ પડયો છે તેના કારણે શરૂઆતમાં પાક વાવેતર બાદ ભારે વરસાદ પડવાને કારણે પાકને ભારે નુકશાન થયેલ ત્યારબાદ વરસાદે થોડો વિરામ લીધા બાદ પાક સરખો થાય ત્યાં તો બીજી વખત અતિ ભારે વરસાદને કારણે પાક ઉપજ થવાની સંભાવનાઓ ખૂબ ઓછી છે, તેના કારણે 'લીલા દુષ્કાળ' સમાન ખેડૂતોની સ્થિતિ થઈ છે.

ભારે પૂરને કારણે તેમજ સતત વરસાદી પાણી ભરાય રહેવાના કારણે ખેડૂતોએ વાવેલ ચોમાસુ પાક ખાસ કરીને મગફળી, કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે અને વાવેતર કરેલ પાક નાશ પામતા ખેડૂતોને અસહ્ય નુકસાન થયું છે તે અંગે વરસાદ બંધ થયા બાદ ખેડૂતોના પાકને થયેલ નુકસાની અને જમીન ધોવાણનો તાત્કાલિક સર્વે કરાવીને પાક સહાય અને જમીન ધોવાણ સહાય ચુકવવા માટે કાર્યવાહી કરવા વિનંતી છે. તેમ અમિત ચાવડાએ જણાવ્યું છે.

 

(4:33 PM IST)