તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
૨૫ ઓગસ્ટ । પાટીદાર ક્રાંતિ દિવસ । વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે શું કહ્યું?
ગુજરાતના મારા સૌ નવયુવાન પાટીદાર તેમજ પાટીદાર પરિવારોને પાટીદાર ક્રાંતિ દિવસની હાર્દિક શુભકામના તેમજ શહીદ પાટીદાર યુવાનોને નમ મસ્તક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું : હાર્દિક પટેલ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી જણાવ્યું હતું કે, આજના દિવસે જ ગુજરાતના ગરીબ અને આર્થિક નબળા પાટીદાર સમાજને સરકારી શિક્ષણ અને નોકરીમાં અનામત મળે તે માટે સૌના સહયોગથી પાટીદાર આંદોલન થયું હતું. લગભગ ત્રણ વર્ષના સંઘર્ષ અને કુરબાની બાદ ગુજરાતના માત્ર પાટીદાર સમાજને જ નહિ પરંતુ અનામતમાં ન આવતા લગભગ ૩૦ સમાજોને બિનઅનામત આયોગ તેમજ નિગમ મળ્યું, સાથે જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત દર વર્ષે ૧૦૦૦ કરોડ રૂપિયાની યોજના અને સરકારી નોકરીમાં પાંચ વર્ષની વયમર્યાદાનો લાભ મળ્યો અને તે બાદ ભારતના ઇતિહાસ પ્રથમવાર ગુજરાત સહીત દેશભરમાં પાટીદાર સહિતના ૫૦ થી વધુ સમાજોને આર્થિક ધોરણે ૧૦% અનામતનો લાભ મળ્યો. આજે લગભગ દરરોજ એક ફોન મને આવે છે કે હાર્દિકભાઈ તમે જે આંદોલન કર્યું તેના કારણે મને નોકરી મળી અથવા એડમિશન મળ્યું. આ લડાઈ સમાજના ગરીબ લોકોની હતી અને સફળ થઇ. આ આંદોલનમાં ઘણા લોકોએ ઘણું ગુમાવ્યું છે, કોઈએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા તો મારા જેવા ૨૦ યુવાનોએ પોતાના જીવનના અનેક મહિનાઓ જેલમાં વિતાવ્યા, મારા સહીત અનેક યુવાનો પર ઘણા કેસ પણ થયા પરંતુ કહેવત છે કે કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે છે. હું જેલમાં ગયા એનું મને જરાય દુઃખ નથી પરંતુ સમાજના નવયુવાન ગુમાવ્યા તેનું આજ પણ દુઃખ છે સામે આ આંદોલનથી સમાજને મળેલા ફાયદાથી રાજી પણ છું. આ આંદોલન આખા સમાજનું હતું અને ઇતિહાસ આ આંદોલન કાયમ યાદ રાખશે.ગુજરાતના મારા સૌ નવયુવાન પાટીદાર તેમજ પાટીદાર પરિવારોને પાટીદાર ક્રાંતિ દિવસની હાર્દિક શુભકામના તેમજ શહીદ પાટીદાર યુવાનોને નમ મસ્તક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. સૌને વિનંતી કે આંદોલનથી મળેલી યોજનાઓ અને આયોગના લાભ જરૂર મેળવો.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
