<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો: ડેમના 9 દરવાજા 5 ફૂટ ખોલાયા: નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ અપાયું

ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ

સુરત: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ ભારે વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. ડેમનું રુલ લેવલ 335 મેન્ટેઈન કરવા હાલ ડેમમાંથી 9 દરવાજા 5 ફૂટ સુધી ખોલી પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. નદીમાં 95 હજાર 514 ક્યુસેક પાણી છોડાયું છે. ત્યારે તાપી નદીના કિનારાના ગામોને એલર્ટ અપાયું છે

ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલાયા છે. ડેમનું પાણી તાપી નદીમાં છોડાયું છે. ડેમના 9 દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા છે. જ્યારે નદીમાં 95 હજાર 514 ક્યુસેક પાણી છોડાયું છે. તાપી નદી કિનારાના ગામોને અલર્ટ અપાયું છે. ઉપરવાસમાંથી 1.11 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમની જળસપાટી 335.08 ફૂટ પર પહોંચી છે. 

નોંધનીય છે કે, મહારાષ્ટ્રના હથનૂર ડેમના 41 પૈકી 16 દરવાજા પૂરેપૂરા ખોલીને 74727 ક્યુસેક, જ્યારે પ્રકાશા ડેમના 29 પૈકી 4 દરવાજા પૂરેપૂરા ખોલીને 54244 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઇ રહ્યું છે. જે સીધુ તાપીના ઉકાઇ ડેમમાં ઠલવાતા ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.

બીજી બાજુ, આજે સવારથી જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં તાપીમાં સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સોનગઢમાં 4.6 ઇંચ, વ્યારામાં 2.5 ઇંચ , વાલોડ અને કૂકરમુંડામાં 2 ઇંચ અને ડોલવણમાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉચ્છલમાં 1.4 ઇંચ અને નિઝરમાં 1 ઇંચ ઇંચ વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.

(8:10 PM IST)