News of Saturday, 24th August 2024
સુરતના ઉમરપાડામાં બારેમેઘ ખાંગાં : 9 કલાકમાં પોણા 9 ઈંચ ખાબક્યો : વિજાપુરમાં 8 ઈંચ ધોધમાર વરસાદથી જળબંબાકાર
ગુજરાતમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સતત બીજા દિવસે પણ રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા અને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં નોંધાયો છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 165 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરત જિલ્લાના છેવાડે ચારેય બાજુ જંગલોથી ઘેરાયેલા ઉમરપાડામાં આભ ફાટ્યું હોય તેમ આખા દિવસ દરમિયાન પોણા 9 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
આ સિવાય મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે નીચાણવાળી સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. વિજાપુરના ટીબી રોડ, ખત્રીકુવા, ચક્કર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં મામલતદાર સહિત પાલિકાની ટીમ કામે લાગી ગઈ હતી.
અન્ય તાલુકામાં જોઈએ તો, ખેડાના કપડવંજમાં 135 મિ.મી., વલસાડના ધરમપુરમાં 128 મિ.મી., છોટા ઉદેપુરમાં 117 મિ.મી., ગાંધીનગરના માણસામાં 116 મિ.મી., તાપીના સોનગઢ અને વલસાડના વાપીમાં 115 મિ.મી. તેમજ વલસાડના પારડીમાં 110 મિ.મી. તેમજ ઉમરગામમાં 106 મિ.મી વરસાદ વરસ્યો છે.
બપોરે 2 થી 4 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સાબરકાંઠાના પોશીનામાં 48 મિ.મી., વલસાડના વાપીમાં 36 મિ.મી., સાબરકાંઠાના ઈડરમાં 31 મિ.મી. અને અરવલ્લીના મેઘરજમાં 28 મિ.મી વરસાદ વરસ્યો છે.
આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 74 તાલુકામાં 1 ઈંચથી વધુ, 33 તાલુકામાં 2 ઈંચથી વધુ, 15 તાલુકામાં 3 ઈંચથી વધુ તેમજ 10 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 2 કલાકમાં 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
