<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

ખેતીના પાકનો સર્વે ચાલુઃ વરસાદથી ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તો સહાય

કપાસ-મગફળીને નુકશાનના મુદ્દે વિધાનસભામાં મંત્રીનું નિવેદન

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૧: ગુજરાત વિધાનસભા નિયમોના નિયમ ૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્‍યની બાબત પર મંત્રીશ્રી (કૃષિ) નું ધ્‍યાન દોરતી ડો. મહેન્‍દ્રભાઇ પાડલિયા (દેવાભાઇ માલમ, અરવિંદભાઇ લાડાણી અને અર્જુનભાઇ મોઢવાડીયા)ની રજુઆત મુજબ સરકારે જવાબ આપ્‍યો હતો.

‘‘તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ વગેરે જિલ્લાઓમાં કપાસ અને મગફળીના પાકને વ્‍યાપક નુકસાન થયેલ છે. તેના પરિણામે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાયેલ છે. આથી ખેડૂતોમાં ફેલાયેલ ચિંતાની લાગણી દૂર કરવા સર્વેની કામગીરી તાત્‍કાલીક હાથ પર લઇ અસરગ્રસ્‍ત ખેડૂતોને વળતર ચૂકવવા રાજય સરકારે લીધેલાં કે લેવાં ધારેલા પગલાંઓ અંગે કૃષિ મંત્રીએ માહિતી આપી હતી.

રાજય સરકાર વતી મંત્રીએ જણાવેલ કે, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં તા. ર૦-૮-ર૦ર૪ સુધીમાં થયેલ વાવેતર પૈકી ૩,પ૮,૩૪૮ હેકટર વિસ્‍તાર વરસાદથી અસરગ્રસ્‍ત થયેલ હતો. જેમાં જુનાગઢ જિલ્લામાં ૧,૯૯,૭પ૮ હેકટર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૧,૯રપ હેકટર, પોરબંદર જિલ્લામાં ૮૪,૧ર૦ હેકટર અને રાજકોટ જિલ્લામાં રપ,ર૩૪ હેકટરમાં સરવે પૂર્ણ થયેલ છે. હાલના તબકકે જુનાગઢ જિલ્લામાં ૬૪, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૧, પોરબંદર જિલ્લામાં રર અને રાજકોટ જિલ્લામાં ૮ એમ કુલ ૧૦પ ટીમોની રચના કરી કુલ ૧૬ તાલુકાઓમાં વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ખેતરોમાં વરસાદના પાણી લાંબા સમય સુધી ભરાયેલા હોઇ સર્વેની કામગીરી ચાલુ છે. જેમાં જુનાગઢ જિલ્લામાં ૩પ૯ ગામોમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, પોરબંદર જિલ્લામાં ૧પર ગામોમાં અને રાજકોટ જિલ્લામાં ૩૦ ગામોમાં સરવે પૂર્ણ થયેલ છે. વિગતવાર સર્વેમાં નોંધપાત્ર પાક નુકસાની જણાયેથી રાજય સરકારશ્રી દ્વારા પાક નુકસાન અંગે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હાલમાં, કુદરતી આપતિને લીધે ખેતી પાકોમાં નુકશાન થાય તો સરકારશ્રીના મહેસૂલ વિભાગ ઠરાવ મુજબ સ્‍ટેટ ડીઝાસ્‍ટર રીર્સ્‍પોસ ફંડ (SDRF) ના ધારાધોરણો મુજબ જે કિસ્‍સાઓમાં પાકમાં ૩૩% અને ૩૩% કરતા વધારે નુકસાન થાય તો SDRF ના ધારાધોરણ મુજબ સહાય મળવાપાત્ર થાય છે. આમ, રાજય સરકારશ્રી દ્વારા સદર કિસ્‍સામાં જિલ્લા તંત્ર સાથે સંકલન કરી કાર્યવાહી હાથ ધરાયેલ અને તે મુજબ નિયમોનુસાર નુકસાનીની તીવ્રતા ધ્‍યાને લઇ અસરગ્રસ્‍ત ખેડૂતોને સહાય ચૂકવવા બાબતે નિર્ણય લેવામાં આવશે. તેમ જણાવ્‍યું હતું.

(11:44 AM IST)