તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
નિરમા યુનિવર્સિટી ખાતે 'સેવા'ના શ્રીમતી મીરાઈ ચેટર્જીની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી

રાજકોટ : નિરમા યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં આયોજિત સમારોહ સાથે ૭૮ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. સમાજ કલ્યાણ બોર્ડના નેજા હેઠળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા આયોજિત આ ઇવેન્ટની અધ્યક્ષતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ડિરેકટર પ્રો. (ડો.) સંગીતા શ્રોફે સંભાળી હતી. મુખ્ય મહેમાન શ્રીમતી મીરાઈ ચેટર્જી, સેલ્ફ-એમ્પ્લોઇડ વુમન એસોસિએશન (SEWA) ની સામાજિક સુરક્ષા ટીમના નિયામક અને અગ્રણી લીડર છે. SEWA એ એક રાષ્ટ્રીય સંઘ છે, જેણે ભારતમાં ૨.૫ મિલિયન મહિલા કામદારોને કામ અને આવકની સુરક્ષા, નાણાકીય સેવાઓ, બાળ સંભાળ, પ્રાથમિક આરોગ્ય સંભાળ, પાણી અને સ્વચ્છતા સાથેના આવાસ અને વીમા સહિત અન્ય ઘણી પ્રવૃત્તિઓ અને સહાયક સેવાઓ મેળવવા માટે આયોજન કર્યું છે. તેણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને પ્રાસંગીક વકતવ્યમાં એકતાના મહત્વ પર પ્રકાશ પાડયો હતો. ખાસ કરીને પડકારજનક સમયમાં અને દરેકને સ્વચ્છતા, મહિલા સશકિતકરણ અને શાંતિ જેવા ચાલુ મુદ્દાઓ પર ધ્યાન આપવા વિનંતી કરી હતી. તેણીએ સ્થાનિક સમુદાયો માટે રોજગારીની તકો ઊભી કરવામાં તેની ભૂમિકા પર ભાર મૂકતા, સ્થાનિક પહેલ માટે વોકલના મહત્વ પર પણ ભાર મૂકયો હતો. તેણીએ રોજિંદા જીવનમાં કરુણા અને સહાનુભૂતિની હાકલ કરી અને સમાજમાં વધુ યોગદાનને પ્રોત્સાહિત કર્યું હતુ. શ્રી જી. રામચંદ્રન નાયર, એકિઝકયુટિવ રજિસ્ટ્રાર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને મુખ્ય મહેમાનનું સ્વાગત કર્યું હતું. આ તકે સંબોધનમાં પ્રો. (ડો.) સંગીતા શ્રોફે ગાંધીજીને ટાંકીને એકતાનું આહવાન કર્યું હતુ. આ સમારોહમાં રાષ્ટ્રગીત સાથે કેમ્પસમાં ધ્વજવંદન સમારોહ યોજવાાં આવ્યો હતો. NCC કેડેટ્સે ગાર્ડ ઓફ ઓનર અને પ્રભાવશાળી માર્ચ પાસ્ટ દ્વારા તેમની શિસ્ત અને દેશભકિત દર્શાવવામાં આવી હતી. આ ઇવેન્ટમાં યુનિવર્સિટીના અધિકારીઓ, સંસ્થાઓ અને વિભાગોના વડાઓ, અધ્યાપકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. આમ નિરમા યુનિવર્સિટીમાં ૭૮ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી એ ગૌરવ અને ઉત્સવનું મિશ્રણ બની રહેલ.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
