<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

રાજ્યની 32 હજાર શાળાઓ પાસેથી રિપોર્ટ મંગાવીશું,ગુટલીબાજ શિક્ષકોને સાથ આપનારાને પણ અમે ઘરભેગા કરીશું: શિક્ષણ મંત્રી

શિક્ષણ વિભાગમાં લાચલી લાલીયાવાડી અંગે પ્રશ્નો પૂછવામાં આવતા શિક્ષણમંત્રીએ આકરી કાર્યવાહીની નેમ વ્યક્ત કરી

અમદાવાદ :બનાસકાંઠા જિલ્લામાંથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની પોલ ખોલતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા 8 વર્ષથી વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં તેમની હાજરી બોલાતી હતી. આટલું જ નહીં, તેઓને પગાર પણ ચૂકવવામાં આવતો હતો. જેને લઈને રાજ્યના શિક્ષણ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.

 છોટા ઉદેપુર ખાતે વન મહોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને તેમના વિભાગમાં લાચલી લાલીયાવાડી અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

જેના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, શિક્ષક ગેરહાજર રહીને વિદેશ ગયા છે અને અહીં તેઓની નોકરી ચાલુ હોવાની બાબત ગંભીર છે. આ સાથે જ આવા શિક્ષકોની હાજરી પૂરનારા પણ દોષિત છે. આથી શિક્ષકની સાથે-સાથે જેમની જવાબદારી છે, તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

હાલ એક શિક્ષકની વાત જ અમારા ધ્યાન પર આવી છે. જેનો મેં રિપોર્ટ મંગાવ્યો છે. હવે આગામી સમયમાં આ બાબતે સમગ્ર રાજ્યમાં સઘન ઝૂંબેશ ચલાવવામાં આવશે. જેમાં 32 હજારથી વધુ શાળાઓ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવશે. આ દરમિયાન જે શિક્ષકો અનિયમિત હશે અને ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસ હશે અને શાળામાં ગેરહાજર હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીને તેઓને ઘરભેગા કરવામાં આવશે.

પાન્છા ગામની પ્રાથમિક શાળાના એક શિક્ષિકા 8 વર્ષથી વિદેશમાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ પર તેમનું નામ બોલાઈ રહ્યું હોવાના આક્ષેપ થયા હતા. આ શિક્ષિકા વર્ષમાં એક વખત દીવાળીના સમયે ગુજરાત આવે છે અને પોતાનો પગાર પણ મેળવે છે. આ બાબતે સ્કૂલના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો.

(9:32 PM IST)