<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

સાંજે વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો: સતત બીજા દિવસે મેઘરાજાનો મુકામ :રસ્તા પર નદીઓ વહી:ટ્રાફિકજામ

ગઈકાલે સાંજે 4 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો આજે ફરી ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું

વડોદરા : છેલ્લા બે દિવસથી મેઘરાજા ઢળતી સાંજે વડોદરા શહેરમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. ગઈકાલે સાંજે 4 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જે બાદ આજે પણ ઢળતી સાંજે ફરીથી મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી અને અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતુ.

ભારે વરસાદના પગલે શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી ગરનાળામાં સતત બીજા દિવસે પણ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જેના કારણે શહેરનો પશ્ચિમ વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો હતો.

આ સિવાય શહેરના નવા બજાર, એમજી રોડ, ચોખંડી, મંગળ બજાર, રાવપુરા, સયાજીગંજ સહિતના વિસ્તારોમાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. સાંજે તૂટી પડેલા વરસાદના કારણે નોકરી-ધંધાથી પરત ફરતા લોકો રસ્તામાં અટવાયા હતા. વરસાદનું પાણી ભરાઈ જવાથી અનેક ઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

જો ગઈકાલે ખાબકેલા વરસાદના આંકડા જોઈએ તો, ગુરુવારે સાંજે 4 થી 6 વાગ્યાના 2 કલાક દરમિયાન 1 ઈંચ તેમજ 6 થી 8 વાગ્યા દરમિયાન 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

(10:51 PM IST)