<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

દેશની પહેલી ૧૩૦ કિમીની સ્‍પીડવાળી વંદે ભારત ટ્રેનનું અમદાવાદ- મુંબઇ રૂટ પર ટ્રાયલ

અમદાવાદથી સવારે ૭ વાગ્‍યે રવાના થયેલઃ મુંબઇ સેન્‍ટ્રલે બપોરે ૧૨:૧૫ કલાકે પહોંચી

અમદાવાદ તા.૯: અમદાવાદથી મુંબઈ વચ્‍ચે ૨૦ કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન શરૂ થઈ ગયું છે. ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ૨૦ કોચવાળી સૌથી પહેલી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આજે સવારે ૭ વાગ્‍યે અમદાવાદથી ૨૦ કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેન રવાના થઈ.

અમદાવાદથી વડોદરા-સુરત થઈને બપોરે ૧૨:૧૫ કલાકે મુંબઈ સેન્‍ટ્રલ પહોંચ્‍યા બાદ વંદેભારત ટ્રેનની ટ્રાયલ રન સમાપ્ત થઇ હતી. હાલમાં દેશના મોટા શહેરો વચ્‍ચે વંદે ભારત ટ્રેનમાં ૧૬ કોચ અને નાના શહેરો વચ્‍ચે ૮ કોચ ચલાવવામાં આવે છે. હાલમાં, અમદાવાદ અને મુંબઈ વચ્‍ચે દરેક ૧૬ કોચની બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. અમદાવાદથી ૨૦ કોચની વંદે ભારત ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન, પહેલાથી ચાલી રહેલા 14C + 2E કોચમાં વધુ 4C કોચ ઉમેરવામાં આવ્‍યા છે.

વંદે ભારત ટ્રેનના ૧૦૦% રિસ્‍પોન્‍સ અને ઓકયુપન્‍સીને ધ્‍યાનમાં રાખીને, ટ્રાયલ રનની સફળતા બાદ દેશની પ્રથમ ૨૦ કોચવાળી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે. હાલની ૧૬ કોચવાળી વંદે ભારત ટ્રેનને ૨૦ કોચ સાથે ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન કરાવીને એ જોવામાં આવી રહ્યું છે કે કોચની સંખ્‍યા વધારવાથી સ્‍પીડમાં કોઈ ફરક પડે છે કે કેમ અને ટ્રેનને અમદાવાદથી મુંબઈ સેન્‍ટ્રલ સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલા ‘મિશન રફ્‌તાર' પ્રોજેક્‍ટ દિલ્‍હી અને મુંબઈ વચ્‍ચે ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે શરૂ કરવામાં આવ્‍યો હતો, જે અંતર્ગત પહેલા ૧૩૦ કિમી અને પછી ૧૬૦ કિમી સુધી અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવશે. લાંબા અંતરને આવરી લેતી ટ્રેનો મુસાફરોને સલામત અને ટૂંકા સમયમાં આપવામાં આવશે.

(4:13 PM IST)