<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

રાજા વિશ્વ સિંહ દિવસ :સિંહ સંવર્ધનના સવાસો વર્ષના પ્રયાસોના પરિણામે ગીરના સિંહની વસ્‍તી ૬૭૪ના આંકડે પહોંચી છે

જંગલનો રાજા વાઘ કે સિંહ ? રાજા જેમ પ્રજાના રક્ષણ માટે જીવનભર યુધ્‍ધ ભૂમિમાં રહે છે : તેમ સિંહ પણ પોતાની ટેરીટરીના રક્ષણ માટે જીવનભર લડે છે એટલે સિંહ જ જંગલનો : સુપ્રીમ કોર્ટની મંજુરી લીધા વિના જ વન વિભાગની જમીન પર સફારી પાર્ક બનાવવાની તૈયારી ! : અંગ્રેજોએ સિંહોના શિકાર કરી તેના અસ્‍તિત્‍વ ઉપર જોખમ ખડુ કર્યા બાદ પર્યાવરણ પ્રેમી બ્રિટીશ વાઇસરોય લોર્ડ કર્ઝનના સૂચનથી જુનાગઢના નવાબ રસુલખાનજી બાબી દ્વારા સિંહ અને વન્‍ય પ્રાણીઓના શિકાર ઉપર વર્ષ ૧૯૦૦થી કાયદાકીય નિયંત્રણો મુકાયા અને સિંહ સંરક્ષણની શરૂઆત થઇ : સંવર્ધનની ગતિને અવરોધતા ભય સ્‍થાનો :જંગલ નજીકના રાજ્‍ય - રાષ્‍ટ્રીય ધોરીમાર્ગો પર દોડતા વાહનો, જંગલમાં તથા આસપાસના વિસ્‍તારોમાંથી પસાર થતાં રેલવે ટ્રેકસ ઉપર ધસમસતી ટ્રેનો, ખેતરની વાડના ગેરકાયદે વિદ્યુતિકરણ, સોલર પાર્ક, ખુલ્લા કુવાઓ, ગેરકાયદે લાયન શો, શિકારીઓની લટકતી તલવાર જેવા અનેક ભયસ્‍થાનો સિંહ સંવર્ધનની ગતિને અવરોધી રહ્યા છે.

સિંહ - એ નામ સાંભળીએ ત્‍યાં જ આપણને બહાદુર, શક્‍તિશાળી અને પ્રભાવશાળી જંગલનાં રાજા એવાં વનરાજની છબી દ્રશ્‍યમાન થાય. વિશ્વનાં અનેક દેશોમાં વિહરતાં સેંકડો સિંહો, સમય જતાં આફ્રિકામાં અને એશિયામાં ફક્‍ત પヘમિ ભારતનાં કાઠિયાવાડ - હાલનાં સૌરાષ્ટ્ર - નાં ગીર જંગલ અને તેની આજુબાજુનાં વિસ્‍તારોમાં બહુ ઓછી સંખ્‍યામાં બચી ગયાં હતાં. ગીર વિસ્‍તાર જુનાગઢ રાજયનાં નવાબ સાહેબની હુકુમત તળે આવતો હતો. તે સિવાય બરોડા અને ભાવનગર રાજયોમાં પણ સિંહો હતાં. સિંહોની વસ્‍તી ઝડપભેર ઘટવા માટે અંગ્રેજ અધિકારીઓ અને આપણાં રાજા-મહારાજાઓ દ્વારા ગેમ કે સ્‍પોર્ટ્‍સનાં નામે થતાં અનિયંત્રિત શિકાર, પ્રાકૃતિક વનો ઉપર માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ઔદ્યોગીકરણ, ખેતી, ચૂનાનાં પથ્‍થર તથાં ખનીજો માટે ખોદાતી ખાણો, વિગેરે મુખ્‍ય કારણો છે. એક અંગ્રેજ અધિકારી કર્નલ જયોર્જ એકલાન્‍ડ સ્‍મિથ દ્વારા ૧૯૫૭-૫૮ માં ૩૦૦ થી વધુ સિંહોનો શિકાર કરવામાં આવેલ! વિલિયમ ફ્રેઝરે ૮૪ સિંહોનો શિકાર કરેલ. વિલિયમ રાઈસે ગીરની એક જ મુલાકાતમાં ૧૪ સિંહોને મારેલ! ૧૮૨૦ થી ૧૮૭૦ દરમિયાન માત્ર પાંચ દાયકાઓમાં ૧૫૦૦ સિંહનો શિકાર થયેલ. ૧૯૦૦ માં બ્રિટિશ વાઇસરોય એચ. ઈ. લોર્ડ કર્ઝન નાં સૂચન બાદ જુનાગઢ રાજયનાં આઠમાં નવાબ સાહેબ એચ. એચ. મોહમ્‍મદ રસુલખાનજી બાબી (બીજાં) દ્વારા સિંહ તથાં અન્‍ય પ્રાણીઓનાં શિકાર પર કાયદાકીય રીતે નિયંત્રણો મુકાયાં અને સિંહ સંરક્ષણની શરૂઆત થઈ.ᅠ

 દર પાંચ વર્ષે યોજાતાં સિંહ વસ્‍તી અંદાજ મુજબ છેલ્લે ૨૦૨૦ માં ૩૦,૦૦૦ વર્ગ કિલોમીટરમાં કરાયેલ પૂનમ અવલોકન (એક પ્રકારનો વસ્‍તી અંદાજ) માં ૬૭૪ સિંહો નોંધાયેલ. સામાન્‍ય લોકોને અને ગુજરાત રાજય બહારનાં નિષ્‍ણાતોને પણ નવાઈ લાગે તેવી એક હકીકતમાં ૬૭૪ માંથી ૪૮% સિંહો પાંચ આરક્ષિત વિસ્‍તારોની બહાર ૧૫૦૦ થી વધારે ગામોની આજુબાજુમાં વિહાર કરી રહ્યા છે અને સાતેક સ્‍થળો પર કાયમી ‘ઘર' પણ બનાવી લીધાં છે! વન્‍ય પ્રાણી અભયારણ્‍ય બહારનાં આ રેવન્‍યુ વિસ્‍તારો બૃહદગીર તરીકે ઓળખાય છે. ત્‍યાં ઘાંસ વીડીઓ, વાડી-ખેતરો, ગામની આજુબાજુની ગૌચર જમીન, વેસ્‍ટ લેન્‍ડ એટલે કે ખરાબાની જમીન, નદી અને દરિયાકાંઠાનાં વિસ્‍તારો વિગેરે જેવાં અનેક પ્રકારનાં હેબીટાટ્‍સ કે જયાં મનુષ્‍યની અવરજવર ઓછી હોય ત્‍યાં રહે છે. તેઓ ખલેલ વગર રહી શકે અને મનુષ્‍ય સાથે ઘર્ષણ નિવારી શકાય તેનાં માટે આ બધાં વિસ્‍તારોની તથાં વન્‍ય પ્રાણીઓનાં કોરીડોર્સની જાળવણી ખૂબ જ મહત્‍વની બની જાય છે. અભયારણ્‍યની બહાર આવેલાં વિસ્‍તારોમાં રાજય અને રાષ્ટ્રીય ધોરી માર્ગો પર દોડતાં વાહનો, રેલવે ટ્રેકસ પર ધસમસતી ટ્રેનો, ખેતરનાં અમૂલ્‍ય પાકને નિલગાય, ભૂંડ, વિગેરે પ્રાણીઓથી બચાવવા માટે (ગેરકાયદે કરવામાં આવતું) ખેતરની વાડનું વિદ્યુતીકરણ, ખુલ્લાં કુવાઓ, ગેરકાયદેસર લાયન શો, શિકારીઓની લટકતી તલવાર, વિગેરે જેવાં અનેક પ્રકારનાં ભયસ્‍થાનો છે.ᅠ

 સિંહનાં સંરક્ષણ માટે ગીર વન્‍ય પ્રાણી અભયારણ્‍ય આસપાસ ૧૦ કિલોમીટરની પેરીફરીમાં ઇકોસેન્‍સિટીવ ઝોન છે. આ વિસ્‍તાર જળવાઈ રહે તે માટે અહીં ખાણોનાં ખોદકામ, નવાં મોટાં બાંધકામ, નવાં ઉદ્યોગો, વગેરે જેવી પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો છે. આ ઘણું આવકારદાયક પગલું છે.

છેલ્લાં થોડાં સમયથી ગ્રીન એનર્જી પર ભાર મુકાઈ રહ્યો છે. પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે આ એક સારી બાબત હોવાનું માનવામાં આવે છે. સત્‍ય હકીકત એ છે કે ઈલેક્‍ટ્રીક વાહનોની બેટરીઓનું ઉત્‍પાદન અને નિકાલ, પવનચક્કીઓ, સોલર પાવર પ્રોજેક્‍ટ્‍સ, વિગેરે પણ લાંબા ગાળે પર્યાવરણ અને વન્‍ય જીવોનાં કુદરતી આવાસો પર ઘણી વિપરીત અસરો કરી શકે છે. આ બાબત ઊંડાણપૂર્વક અભ્‍યાસ કરવાની તાતી જરૂરિયાત છે. ઘણાં વર્ષોથી રેવન્‍યુ વિસ્‍તારનાં સિંહો પર અભ્‍યાસ કરી રહેલાં જુનાગઢનાં ડો. જલ્‍પનભાઈ રૂપાપરા અને ડો. પુર્વેશભાઈ કાચા દ્વારા થઈ રહેલાં એક અભ્‍યાસમાં આંખો ઉઘાડી દે તેવાં ચિંતાજનક તથ્‍યો જાણવામાં આવ્‍યા છે. સોલર પાવર પ્રોજેક્‍ટ માટે ઘણાં મોટાં વિસ્‍તારમાં પેનલોᅠ નાખવામાં આવે છે. તેનાંથી તે વિસ્‍તારના સિંહ તથા બીજાં વન્‍ય પશુ - પક્ષીઓ વિગેરેનાં માત્ર રહેણાંક વિસ્‍તારો ઘટી નથી જતાં, પરંતુ તેમનાં આવક જાવક માટેનાં કોરીડોર્સ પણ બંધ થઈ જાય છે. એક અનઅધિકૃત માહિતી મુજબ ગીર ઇકોસેન્‍સિટીવ ઝોનમાં આશરે ચાર લાખ વર્ગ મીટરમાં એક સોલર એનર્જી પ્‍લાન્‍ટ આવવાનો છે. આ જો સત્‍ય હોય તો ઘણી જ ચિંતાજનક બાબત છે.

દીવનાં દરિયા કિનારા પાસે માંડવી વિસ્‍તારમાં વન વિભાગની જમીન પર એક સફારી પાર્ક બનાવવા માટે પણ પ્રયત્‍નો થઈ રહ્યાં છે. સફારી પાર્ક સામે કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ આ વિસ્‍તારમાં સિંહ પરિવારો તેમનાં બચ્‍ચાં સાથે રહે છે તથા તેમનાં કુદરતી આહાર એવાં નીલગાય અને જંગલી ભૂંડ જેવાં વન્‍ય પ્રાણીઓ પણ રહે છે. જો સલગ્ન અધિકારીઓ ઉપર જેવી બાબતો પર ધ્‍યાન નહીં આપે તો ભવિષ્‍યમાં મનુષ્‍ય અને સિંહનાં ઘર્ષણ વધશે. અંતે તો સિંહને જ ગુનેગાર માની ને કહેવામાં આવશે કે સિંહ સ્‍વભાવ બદલી રહ્યો છે અને માણસ ખાવ થઈ ગયો છે. તેને આજીવન કેદની સજા આપવામાં આવશે. એશિયાઈ સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધન બાબત ગુજરાત રાજયનો સમગ્ર વિશ્વમાં દાખલો અપાય છે, તે સવા સો વર્ષોનાં ભગીરથ પ્રયત્‍નો પર આપણી નજર સામે જ પાણી ફરી વળશે.

મને ઘણાં મિત્રો પૂછે છે કે વાઘ સિંહ કરતાં કદમાં મોટો છે, તેથી વધુ શક્‍તિશાળી હોઈ શકે, તો જંગલનો રાજા વાઘ કહેવાય કે સિંહ? મેં આપણાં દેશનાં તથાં આફ્રિકાનાં સિંહોને જોયેલ છે. વાઘનાં જંગલોમાં પણ ઘણાં દિવસો ગાળીને નજીકથી તેમની વર્તણુંક નિહાળેલ છે. શક્‍તિની દ્રષ્ટિએ જોઈએ તો હાથી સૌથી શક્‍તિશાળી પ્રાણી છે. બિલાડી કુળમાં માત્ર સિંહ જ મોટાં ગ્રુપ એટલે કે પ્રાઈડમાં આપણાં સંયુક્‍ત કુટુંબની જેમ રહે છે. એક રાજા જેમ તેની પ્રજાનાં રક્ષણ માટે જીવનભર યુદ્ધ ભૂમિમાં રહે છે, તેવી જ રીતે સિંહો પણ પ્રખર યોદ્ધા છે અને તેની ટેરીટરી તથાં પ્રાઈડનાં રક્ષણ માટે જીવનભર લડતાં રહે છે. એકતામાં તેને આગવી શક્‍તિ મળે છે અને આફ્રિકામાં તો અમુક મોટાં પ્રાઇડ્‍સ જાયન્‍ટ કિલર્સ ઓફ આફ્રિકા તરીકે ઓળખાય છે, કારણ કે તે તેમનાં કરતાં પચ્‍ચીસ ગણાં વધું વજનનાં હાથીઓનાં શિકાર કરે છે! સંત જેવો ચહેરો, ભરાવદાર કેશવાળી, મોટી ભાવવાહી આંખો, મૂંછો, આઠ કિલોમીટર સુધી સંભળાતી તેની ગર્જના  અને મદમસ્‍ત ચાલ જેવા ગુણો હોવાથી સુયોગ્‍ય રીતે જ તેને રાજાનું બિરૂદ અપાયેલ છે. બીજાં દેશોમાં જયાં સિંહ નથી અને વાઘ છે, ત્‍યાંનાં લોકો પણ સિંહને જ જંગલનો રાજા કહે છે.ᅠ

સિંહ અને વાઘ બંને સર્વોચ્‍ચ શિકારી પ્રાણીઓ છે. કુદરતે પણ બંનેને એક જ જંગલમાં ક્‍યારેય સાથે રાખ્‍યાં નથી. આપણાં માટે જંગલનો રાજા સિંહ અને આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ બંને મહામૂલ્‍યવાન છે.

સિંહોનાં સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવા અમેરિકન દંપતી ડેરેક અને બેવર્લી જયુબેરનાં બીગ કેટ ઇનીશીયેટીવ અને નેશનલ જીયોગ્રાફિક સોસાયટી દ્વારા સન ૨૦૧૩ થી ૧૦ મી ઓગષ્ટ નાં દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી જગતમાં અનેક દેશોમાં થાય છે. આપણે સહુ, ખાસ કરીને યુવાનો તેમાં જોડાઈ જઈએ અને માત્ર એક દિવસ જ નહીં, પરંતુ દરરોજ સિંહ દિવસ હોય તે રીતે તેનાં સંવર્ધનમાં યથાશક્‍તિ ફાળો આપીએ.

અકિલાનાં વન અને વનરાજ પ્રેમી વાંચકોને વિશ્વ સિંહ દિવસની અનેક શુભેચ્‍છાઓ.

જય ગીર!

જય કેસરી!

આલેખન અને તસ્‍વીરો

ભૂષણ પંડ્‍યા

પૂર્વ સભ્‍ય, સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફ,ᅠ

વાઈલ્‍ડ લાઈફ ફોટોગ્રાફર

મો. ૯૪૨૮૨ ૦૩૧૧૭

(11:11 AM IST)