<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

દહેગામના જૂના પહાડીયા ગામ બારોબાર વેચવાના મામલે ગામલોકોને રાહત :પ્રાંત અધિકારીએ દસ્તાવેજ કર્યો નામંજૂર

ખોટી રીતે દસ્તાવેજ કરનાર અને કરાવનારા સામે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાઇ હતી

ગાંધીનગરના દહેગામના જૂના પહાડીયા ગામ વેચાઇ જવાના મામલે ગામલોકોને વચગાળાની રાહત મળી છે. પ્રાંત અધિકારીએ વેચાણ દસ્તાવેજ નામંજૂર કર્યો છે. ખોટી રીતે દસ્તાવેજ કરનાર અને કરાવનારા સામે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાઇ હતી

    દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામ વસેલુ છે એ જમીનના વારસદારો દ્વારા ગામજનોની જાણ બહાર અન્યને વેચી દેવામાં આવી હતી. પોલીસે સાત જેટલા વ્યક્તિ સામે ગુનાઇત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગામના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ હતી.

   જો કે કાચી નોંધ પડ્યા બાદ ગ્રામજનોને આ ઘટનાની ખબર પડી હતી. બીજી બાજુ અન્ય વારસદારો દ્વારા તેમની જાણ બહાર આ વેચાણ દસ્તાવેજ કરાયો હોવાથી તકરારી દાખલ કરાઈ છે. ગાંધીનગર એલસીબી દ્વારા બે આરોપી વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જશુજી ઝાલાની ધરપકડ કરાઈ હતી. જે બંને આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેમના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા. આ જમીનનો સોદો રૂ. બે કરોડમાં કરાયો હતો, જે પૈકી વારસદારોને રૂ. 50 લાખ મળ્યા હોવાનું ખુલ્યું હતું

   જે જગ્યા પર 80થી વધુ મકાન, પાણીની ટાંકી, પમ્પ, રૂમ, બે બોર, આરસીસી રોડ, ગટર લાઈન, ગેસ લાઈન, પાણીની લાઈન તેમજ 4 મંદિર તમામ વેચાઈ ગયા હતા. આ જગ્યા પર છેલ્લા 50 વર્ષથી લોકો પોતાનાં મકાન બાંધીને વસવાટ કરે છે. 7 વીધા જેટલી જમીન પર રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

દહેગામ તાલુકાનાં પહાડીયા ગામને વેચી દેવા મામલે પ્રાંત અધિકારી દ્વારા રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સબરજીસ્ટ્રારને ગેરમાર્ગે દોરી દસ્તાવેજ રજિસ્ટર્ડ કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ખાનગી સર્વે નંબર પર લોકો સ્ટેમ્પ પેપર પર જૂના લખાણ કરી મકાનો બાંધી 40 વર્ષ કરતા વધુ સમયથી રહે છે. રેવન્યુ રેકોર્ડ પર એન્ટ્રી કરવામાં આવી નથી. આ વિસ્તાર જુના પહાડીયા ગામ તરીકે ઓળખાય છે. રેવન્યુ રેકોર્ડ પર મૂળ માલિકનાં નામે ચાલતા હોવાથી વારસાનો લાભ આ જમીન ખુલ્લી હોવાનાં ફોટા બતાવી ખોટી માહિતી આપી વેચાણ દસ્તાવેજ કરાયો છે. જેની દહેગામ પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.

(12:46 AM IST)