તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
નાના ધંધા-રોજગારના કારીગરોને સાધનો ખરીદવા સરકાર તરફથી સહાય અને તાલીમ
માનવ કલ્યાણ યોજના અમલમાં: મંત્રી બળવંતસિંહ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૬: સમાજના દરેક વ્યકિતના આર્થિક ઉપાર્જન માટે અનેકવિધ નવતર પહેલોના માધ્યમથી ગુજરાતે બહુઆયામી વિકાસનો સુદ્રઢ ચીલો ચાતર્યો છે. ગુજરાતમાં નાના ધંધા-રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગના કારીગરોને સ્વનિર્ભર બનાવવા માટે રાજય સરકાર દ્વારા ઙ્કમાનવ કલ્યાણ યોજનાઙ્ઘ અંતર્ગત સ્વરોજગાર ઉભા કરવા માટે ઓજારો અને સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી. રાજય સરકારે આ યોજનાને વધુ લોકઉપયોગી અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોના સૂચનોને ધ્યાને રાખીને તેમાં જરૂરી સુધારા કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે સંવર્ધિત ‘માનવ કલ્યાણ યોજના ૨.૦' અમલમાં મૂકી છે.
ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, માનવ કલ્યાણ યોજના હેઠળ સ્વરોજગારી માટે નાના ધંધા કરતા કારીગરોને રાજય સરકાર દ્વારા સાધન-ઓજારની ટૂલકીટ આપવામાં આવતી હતી. જયારે સુધારેલી માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભાર્થીઓ પોતાના મનપસંદ સાધન-ઓજારની જાતે જ ખરીદી કરી શકે, તે માટે ટૂલકીટના ઈ-વાઉચર આપવામાં આવશે. સાથે જ નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝીક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે. સુધારેલી યોજનાના અમલથી રાજય સરકારને વાર્ષિક રૂ. ૬૦ કરોડ જેટલી બચત થશે. રાજયના નાના કારીગરો માટે આ યોજના સાચા અર્થમાં લાભદાયી નીવડશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લાભાર્થીઓ ઈ-વાઉચરના માધ્યમથી રાજય સરકાર દ્વારા ઓથોરાઇઝ કરેલા ડીલર પાસેથી ટૂલકીટ ખરીદી શકશે. ઓથોરાઇઝ ડીલર પાસેથી ટૂલકીટની ખરીદી થતા ગુણવત્તા અને વોરંટીના પ્રશ્નોમાં ઘટાડો આવશે. આટલું જ નહિ, નવી યોજનાના અમલથી ટૂલકીટનો સ્ટોરેજ, હેન્ડલિંગ અને વિતરણ જેવા અન્ય ખર્ચ ઘટતા રાજય સરકારને વાર્ષિક આશરે રૂ. ૬૦ થી ૭૦ કરોડ જેટલી માતબર રકમની બચત થશે. પરિણામે રાજય સરકાર વધુ લાભાર્થીઓને ટૂલકીટનો લાભ આપી શકશે.
માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભાર્થીઓને બેઝીક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે. તાલીમ મેળવવા ઈચ્છુક હોય તેવા લાભાર્થીઓને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાન, RSETI સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પાંચ દિવસની કૌશલ્ય તાલીમ અપાશે. તાલીમ મેળવતા લાભાર્થીઓને હાજરીના આધારે દૈનિક રૂ. ૫૦૦નું સ્ટાઇપેંડ પણ આપવામાં આવશે. તાલીમના અંતે લાભાર્થીને ટૂલકીટનું ઈ-વાઉચર આપવામાં આવશે. જે લાભાર્થીઓ તાલીમ ન મેળવવા માંગતા હોય તેવા લાભાર્થીઓને સીધા ઈ-વાઉચર આપવામાં આવશે.
કોણ લઈ શકશે આ યોજનાનો લાભ?
તા. ૧ જુલાઈથી અમલમાં આવેલી માનવ કલ્યાણ યોજના ૨.૦નો સેન્ટ્રીંગ કામ, વાહન સર્વિસીંગ-રીપેરીંગ કામ, ભરતકામ, પ્લમ્બર, બ્યુટીપાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયેન્સીસ રીપેરીંગ, દૂધ-દહીં વેચનાર, પાપડ બનાવનાર, અથાણા બનાવનાર અને પંચર કરનાર નાના કારીગરો લાભ લઇ શકશે. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની હોવી અનિવાર્ય છે. તદુપરાંત કુટુંબ દીઠ એક જ કારીગર આ યોજનાનો લાભ મેળવી શકશે, જયારે કુટુંબની વાર્ષિક આવક પણ રૂ. ૬ લાખથી વધુ ન હોવી જોઈએ. રાજય સરકાર દ્વારા વિધવા, બીપીએલ કાર્ડ ધારકો અને ઓછી આવક ધરાવતા અરજદારોને અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત કુટુંબમાં કોઈ સરકારી કર્મચારી ન હોય તેવા અરજદારોને જ આ યોજનામાં સામેલ કરવામાં આવશે.
કેવી રીતે થશે લાભાર્થીની પસંદગી?
આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીઓએ ઈ-કુટીર પોર્ટલ પર અરજી કરવાની રહેશે, રાજય સરકાર દ્વારા હાલ ઈ-કુટીર પોર્ટલ ખુલ્લું મૂકાયું છે. અરજી કર્યા બાદ જે તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર થયેલી રાજયની તમામ અરજીઓનો ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. ઓનલાઈન ડ્રોમાં પસંદગી પામેલા લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભ આપવામાં આવશે, જયારે બાકીની અરજીઓને આવતા વર્ષ માટે કેરી ફોરવર્ડ કરવામાં આવશે. ઈ-વાઉચર પદ્ધતિથી ટૂલકીટ ખરીદી કર્યા બાદ ટૂલકીટનો દૂરુપયોગ ન થાય તે સુનિヘતિ કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લાભાર્થીના ઘરે જઈને ઇન્સ્પેકશન પણ કરવામાં આવશે
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
