<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ડભોઈના બાણજ કેનાલ નજીક ઝાડી-ઝાંખરામાં નવજાત બાળકને તરછોડીને નિષ્ઠુર માતા ફરાર

બાણજથી ટીમ્બરવા જતાં કેનાલ રોડની બાજુમાં ઝાડી-ઝાંખરામાંથી બાળકના રડવાનો અવાજ આવતા ગ્રામજનોએ તપાસ કરતાં નવજાત બાળક મળ્યું

વડોદરાના ડભોઈમાં મમતા મરી પરવારી હોય તેવો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બાણજ કેનાલ નજીક ઝાડી-ઝાંખરામાં નવજાત બાળકને તરછોડીને માતા ફરાર થઈ ગઈ હતી. હાલ તો બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડીને પોલીસે તેના માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બાણજથી ટીમ્બરવા જતાં કેનાલ રોડની બાજુમાં ઝાડી-ઝાંખરામાંથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. જેને સાંભળીને ગ્રામજનોએ તપાસ કરતાં ઝાડી-ઝાંખરામાંથી નવજાત બાળક મળી આવ્યું હતુ. જેથી આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી ઈમરજન્સી સર્વિસ 108 દ્વારા બાળકને શિનોર સ્થિત મોટા ફોફળિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતુ. જ્યાં સી.એ. પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાળક હાલ સારવાર હેઠળ છે. હાલ તો પોલીસે બાળકના માતા-પિતા કોણ છે અને ક્યા કારણોસર બાળકને તરછોડવામાં આવ્યું? તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે.

(7:02 PM IST)