<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

DySO અને નાયબ મામલતદારની પરીક્ષાની તારીખો જાહેર કરવા આદેશ

ગુજરાત હાઇકોર્ટે GPSCની કાઢી ઝાટકણીઃનાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા મુલતવી રાખીને નવી તારીખો એક જ અઠવાડિયામાં જાહેર કરવાનો આદેશ કર્યો છે

અમદાવાદ,તા.૧૮

સરકારી પરીક્ષાઓમાં ક્યારેક પ્રશ્નોમાં ગરબડ તો ક્યારેક પેપર ફૂટવાના લીધે પરીક્ષાઓ મોકૂફ રખાતી હોય છે, એમાં પણ   GPSC દ્વારા લેવાતી પરીક્ષામાં વારંવાર ભૂલો જોવા મળે છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી DySO અને નાયબ મામલતદારની પરીક્ષામાં ૧૯ પ્રશ્નો સામે વાંધો ઉઠાવાતા તેમાં સુધારો કરી નવેસર પરિણામ જાહેર કરતાં નવા ૧૯૨૭ ઉમેદવારો ઉમેરાયા હતા. આ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછો સમય મળતાં હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ અંગે હાઇકોર્ટે વારંવાર ભૂલો કરતી જીપીએસસીને ફરી એકવાર ફટકાર લગાવતાં DySO અને નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા મુલતવી રાખીને નવી તારીખો એક જ અઠવાડિયામાં જાહેર કરવાનો આદેશ કર્યો છે.

વર્ષ ૨૦૨૩માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેરાત ક્રમાંક ૪૨ આપી તેમાં ડેપ્યુટી સેકશન ઓફિસર- DySO અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની ૧૨૭ જગ્યાની જાહેરાત માટેની અરજીઓ મંગાવી હતી. આ માટે તારીખ ૧૫/૧૦/૨૦૨૩ ના રોજ પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરાયું હતું અને ૧૮ માર્ચ ૨૦૨૪ ના રોજ પરિણામ જાહેર કરાયું હતું, જેમાં ૩૩૪૨ ઉમેદવારો પાસ થયા હતા. જો કે જીપીએસસી દ્વારા જાહેર કરાયેલી આન્સર કીમાં અમુક પ્રશ્નો શંકાસ્પદ હતા, જેથી કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટનો દ્વાર ખખડાવ્યો અને જીપીએસસીની આન્સર કીના ૧૯ પ્રશ્નોને પડકાર્યા હતા. જેમાં હાઇકોર્ટના હુકમ બાદ જીપીએસસીએ જવાબમાં સુધારો કરીને ૮ જુલાઇ ૨૦૨૪ના રોજ ફરી પરિણામ જાહેર કર્યું. ત્યાર પછી ૧૯૨૭ નવા વિદ્યાર્થી ઉમેરાયા. આ કારણસર જીપીએસસીએ પહેલાં પાસ થયેલા ૩૩૪૨ ઉમેદવાર અને ૧૯૨૭ ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં બેસી શકે છે, એ રીતે મુખ્ય પરીક્ષા ૨૩ જુલાઈથી લેવાનું નક્કી કર્યું હતું.

જો કે નવા ઉમેદવારોની માંગ હતી કે જીપીએસસી નવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષાની તૈયારી માટે ચારેક મહિનાનો સમય આપે. નવા ઉમેરાયેલા ૧૯૨૭ ઉમેદવારને માત્ર ૧૪ દિવસ જ મળ્યા હતા. એટલે માર્ચમાં યોજાયેલી પરીક્ષામાં પાસ થયેલા ૩૩૪૨ ઉમેદવારોએ ૫ મહિના પહેલાં જ મુખ્ય પરીક્ષાની તૈયારી શરૃ કરી હતી. આમ પાછળથી ઉમેરાયેલા ઉમેદવારો સાથે અન્યાય કરતાં તે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા. નવા ઉમેરાયેલા ૧૯૨૭ ઉમેદવારે માંગ કરી હતી કે, અમને પણ ઓછામાં ઓછો ૨ મહિનાનો સમય તૈયારી માટે આપો, જેથી સમાનતાનો સિદ્ધાંત જળવાઈ રહે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે ચુકાદામાં નોંધીને જીપીએસસીને નિર્દેશ આપ્યો છે કે જીપીએસસી દ્વારા કામચલાઉ પરિણામ ૦૮/૦૭/૨૦૪  ના રોજ પ્રકાશિત કરાયું હતું. નવા ઉમેરાયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માત્ર ૨ અઠવાડિયાનો સમય અપાયો છે કારણ કે તેઓ અયોગ્ય જાહેર કરાયા હતા. જ્યારે અન્ય પાત્ર ઉમેદવારોને તૈયારી માટે ૧૬ અઠવાડિયાનો સમય મળ્યો છે. જો કે આ કારણસર મુખ્ય પરીક્ષામાં વધુ વિલંબ થઈ શકે નહીં.

આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે જીપીએસસીને ૨૩/૦૭/૨૦૨૪થી ૨૬/૦૭/૨૦૨૪ દરમિયાન યોજાનારી મુખ્ય પરીક્ષાને રદ કરવી અને આજથી છ અઠવાડિયાના સમયગાળા પછી મુખ્ય પરીક્ષા માટે નવી તારીખો જાહેર કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. જેથી નવા ઉમેરાયેલા લાયક ઉમેદવારોને તૈયારી માટે યોગ્ય સમય મળે. કોર્ટે એમ પણ નોંધ્યું છે કે, મુખ્ય પરીક્ષા આયોજિત કરવાની નવી તારીખો આજથી એક સપ્તાહની અંદર જાહેર કરાશે.

નોંધનીય છે કે, અગાઉ જીપીએસસી ૨૦ જેટલી પરીક્ષામાં વિકલ્પ બદલવાના તેમજ પ્રશ્નો રદ કરવાના કુલ ૨૮૦ સુધારા કરી ચૂકી છે. તે પૈકી ૧૦૭ સવાલો રદ કરાયા હતા અને ૧૭૩ વિકલ્પો ફાઇનલ આન્સર કીમાં બદલવામાં આવ્યા હતા. આ પૈકી સૌથી વધુ ભૂલો કરાઈ હોય એવી પરીક્ષામાં જીપીએસસી દ્વારા જાહેર કરાયેલા જાહેરાત ક્રમાંક ૪૭/૨૦૨૩-૨૪ની ફાઇનલ આન્સર કીમાં સુધારો કરાયો હતો.

(10:14 PM IST)