<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો : કુલ 29 કેસ નોંધાયા, જુઓ જિલ્લા પ્રમાણે આંકડો

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 29 શંકાસ્પદ કેસ :15 દર્દીઓના મોત થયા તમામ નમૂનાઓ પુષ્ટિ માટે NIV પુણેમાં મોકલવામાં આવ્યા

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ના કારણે 1 વર્ષની બાળકીનું મોત થયું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા એક અધિકારીનું કહેવું છે કે, રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે આ પ્રથમ મોત છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 29 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 15 દર્દીઓના મોત થયા છે. તમામ નમૂનાઓ પુષ્ટિ માટે NIV પુણેમાં મોકલવામાં આવ્યા છે.

   સાબરકાંઠા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી રાજ સુતરિયાએ જણાવ્યું હતું કે, મોટા કંથારિયા ગામની એક બાળકીનું હિંમતનગર સ્થિત હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. યુવતી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

  રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ચેપને કારણે આ પ્રથમ મૃત્યુ છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે, સાબરકાંઠા જિલ્લાના ત્રણ બાળકોના સેમ્પલ NIV માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આમાંથી બે બાળકો હવે સ્વસ્થ છે, પરંતુ એક બાળકીનું મોત થયું છે.

  બીજી તરફ આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલનું કહેવું છે કે, સાબરકાંઠા, અરવ્વલી, મહિસાગર, ખેડા, મહેસાણા અને રાજકોટ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત, રાજસ્થાનના 2 અને મધ્યપ્રદેશના 1 દર્દીને ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસ પ્રભાવિત વિસ્તારોમાં 44,000 થી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે

ચાંદીપુરા વાયરસ (CHPV), જે Rhabdoviridae પરિવારનો સભ્ય છે, તે ગ્રામીણ વિસ્તારોમાં ચેપ ફેલાવવાની શક્યતા વધારે છે. તે મોટે ભાગે બાળકોને અસર કરે છે અને શરૂઆતમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણોનું કારણ બને છે. તેનો ચેપ મચ્છર, ટિક્સ અને અમુક પ્રકારની માખીઓના કરડવાથી ફેલાય છે. ચેપના ગંભીર કિસ્સાઓમાં, તીવ્ર એન્સેફાલીટીસ (મગજમાં બળતરા) થઈ શકે છે. સમયસર સારવાર ન મળવાને કારણે દર્દીના મોતનો પણ ભય રહે છે.

 

(1:20 AM IST)