તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
અગ્નિકાંડ, પેપરલીક, જમીન કૌભાંડ, ડ્રગ્સની હેરાફેરીની ચર્ચા માટે ધારાસભા સત્ર ઓછામાં ઓછું ૧૦ દિ'નું રાખો
વિધાનસભા અધ્યક્ષને વિપક્ષી નેતા અમિત ચાવડાનો પત્ર

રાજકોટ તા. ૧૭ : વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષને પત્ર પાઠવી જણાવ્યું છે કે, વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું છ માસમાં મળવું જોઈએ તેવી જોગવાઈ ભારતના બંધારણમાં થયેલી છે. તે બંધારણીય જોગવાઈ મુજબ વિધાનસભાનું સત્ર આગામી ઓગસ્ટ માસમાં મળનાર છે. આગામી સત્ર બોલાવવાથી બંધારણીય જોગવાઈનો ભંગ ન થાય તે હેતુ માટે ૨-૩ દિવસોમાં સરકારી કામકાજ પુરતું ગણતરીની કલાકો માટે મળનારૂં ન બની રહે અને જનપ્રતિનિધિઓ યુવાનો, મહિલાઓ, ખેડૂતો, નાના વેપારીઓ, શિક્ષણ, આરોગ્યને સ્પર્શતી બાબતો, સંમસ્યાઓ અને પ્રશ્નો અંગે ચર્ચા કરી શકે અને સરકારનું ધ્યાન આકર્ષિત કરી શકે તે જરૂરી હોય છે. માટે ગુજરાત વિધાનસભાનું આગામી સત્રમાં નીચેના પ્રશ્નો, સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા થઈ શકે તે માટે ઓછામાં ઓછું ૧૦ દિવસનું સત્ર બોલાવવાની માંગણી કરીએ છીએ.
(૧) વહીવટી તંત્રની બેદરકારીથી રાજકોટ ખાતે ગેમઝોનમાં થયેલ અગ્નીકાંડ, વડોદરા હરણી તળાવ બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, સુરત તક્ષશીલાકાંડમાં પીડીત પરીવારોને ન્યાય મળે અને જવાબદારો સામે કડક પગલાં લેવા ચર્ચા.
(૨) ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલાસણા ગામની ગેરકાયદેસર રીતે નામફેર, બિનખેતી, ગણોત અને ખેત જમીન ટોચ મર્યાદા ધારાનો ભંગ કરીને થયેલ ભ્રષ્ટાચારની ચર્ચા.
(૩) સેલ્ફ ફાઈનાન્સ મેડીકલ કોલેજો અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટની ૫૦% સીટો/બેઠકો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જે ફીનું ધોરણ છે તે ફીથી ભરવા સંબંધમાં નેશનલ મેડીકલ કાઉન્સીલના ૨૦૨૨ના મેમોરેન્ડનો અમલ કરવા અંગે.
(૪) રાજયમાં બેરોકટોક વેચાતા દારૂ, ડ્રગ્સ અને નશીલા માદક દ્રવ્યોના નશામાં યુવાનધન અને પરીવારો બરબાદ થઈ રહ્યા છે તે માટે દારૂ-ડ્રગ્સનું વેચાણ બંધ કરાવવા અને મુંદ્રા બંદરેથી રૂ.૨૫,૦૦૦ કરોડના પકડાયેલ ડ્રગ્સ કંટેનરમાં સંડોવણી અને મુંદ્રા બંદરેથી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવણી અને તે અંગે લીધેલાં પગલાંઓ અંગે ચર્ચા.
ઉપરાંત નીટની પરીક્ષામાં ગેરરીતિ, ટેટ-ટાટ પાસ યુવાનોને (શિક્ષક) નોકરી આપવા અંગે, વહીવટદારોના શાસનવાળી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી યોજવા, મોંઘવારી, ખેડૂતોને વીજળી, કૃષિ ઉપજના પોષણક્ષમ ભાવ વગેરે માટે પૂરતા દિવસોનું સત્ર યોજવા કોંગી નેતા અમિત ચાવડાએ માંગણી કરી છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
