તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Friday, 12th July 2024
સાબર ડેરીએ અપૂરતો ભાવફેર આપ્યાના આક્ષેપ સાથે MLAની આગેવાનીમાં હોબાળો
સાબર ડેરી દ્વારા ભાવફેરની રકમ જાહેર કરવામાં આવીઃભાવ ફેર પેટે રૂ. ૨૫૮ કરોડની જાહેરાત કરવામાં આવી છે જે અપૂરતી હોવાની પશુપાલકોની રાવ

સાબરકાંઠા, તા.૧૨ : સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના ૩.૩૦ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા ગઈકાલે દૂધ ઉત્પાદકોને ભાવ ફેર પેટે રૂ. ૨૫૮ કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.
જોકે આ રકમ ગત વર્ષની સરખામણીએ ઘણી ઓછી હોવાથી પશુપાલકોને પોતાની સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાની લાગણી થઈ રહી છે. જે મામલે ગુરુવારે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને પશુપાલકોવતી સાબરડેરી સામે સતત લડત આપી રહેલા રણજીતસિંહ હિંમતનગર સ્થિત સાબર ડેરી ખાતે મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉમટી પડ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો.
સાબર ડેરી દ્વારા ગઈકાલે ભાવફેરની રકમ જાહેર કરવામાં આવી છે. જેમાં પશુપાલકોને રૂ. ૨૫૮ કરોડની ચૂકવણી કરવામાં આવનાર છે. જોકે આ રકમ ઘણી ઓછી હોવાથી પશુપાલકોમાં રોષ ફેલાયો છે. આ મામલે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં ગુરુવારે બપોરે ૧૨:૦૦ વાગ્યે મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો સાબર ડેરી ખાતે ઉમટી પડ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે, સાબર ડેરી દ્વારા જે ભાવ ફેરની રકમ ચૂકવવામાં આવી છે તે એકદમ સામાન્ય છે અને પશુપાલકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. દિવસ-રાત પશુપાલકો કાળી મહેનત કરે છે, પણ સાબર ડેરી દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. હવે આ શોષણને અટકાવવા આજરોજ સાબરકાંઠા તેમજ અરવલ્લીમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટી પડ્યા છે. સાબર ડેરીના સત્તાધીશો દ્વારા માત્ર ૯ મહિનાનો ભાવ ફેર ચૂકવવામાં આવનાર છે. સાબર ડેરી દ્વારા ગત વર્ષે રૂ. ૬૫૦ કરોડની રકમ ભાવફેર માટે ચૂકવવામાં આવી હતી. સાબર ડેરી દ્વારા પશુપાલકોને અન્યાય કરવામાં આવ્યો હોવાની બંને જિલ્લામાં ફરિયાદો ઉઠી રહી છે અને હવે આ મામલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાબરડેરી ખાતે આવી પહોંચેલા બંને જિલ્લાના લાખો પશુપાલકો સાથે ચર્ચા-વિચારણા કરીને સાબર ડેરીના સત્તાવાળાઓને લેખિતમાં રજૂઆત કરી પશુપાલકોના હિતમાં નિર્ણય કરવા માટે રજૂઆત કરી છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
