News of Friday, 12th July 2024
વડોદરામાં રૂ.૧૧.૦૯ લાખના એમડી ડ્રગ્સ સાથે બે મહિલા સહિત ત્રણ પકડાયા
એડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરીને કાયદેસર કાર્યવાહી શરૂ કરીઃઝડપાયેલી મહિલાનો પતિ એનડીપીએસના મામલે જેલમાં ગયા બાદ તે ભાણેજ તથા ભાણેજ જમાઇને સાથે રાખીને ડ્રગ્સનો ધંધો કરી હતી

વડોદરા, તા.૧૨ : વડોદરાના મચ્છીપીઠ નજીક આવેલા નવાબવાડાના મોઇનએપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના એક ફ્લેટમાં પોલીસે દરોડો પાડીને રૂપિયા ૧૧.૦૯ લાખના માદક પદાર્થ મેફેડોન (એમ.ડી) સાથે બે મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિઓને પકડી પાડી હતી. ઝડપાયેલી મહિલાનો પતિ એનડીપીએસના મામલે જેલમાં ગયા બાદ તે તેની ભાણેજ તથા ભાણેજ જમાઇને સાથે રાખીને ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનું બહાર આવ્યુ છે. તેઓને ડ્રગ્સ સપ્લાય કરનારની પોલીસે શોધખોળ જારી રાખી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના બહુચર્ચીત મચ્છીપીઠ નવાબવાડા વિસ્તારમાં આવેલા મોઇન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતી રેહાના પઠાણ જેનો પતિ ઇમરાન ખાન ઉર્ફે ચિકનદાનો એમડી ડ્રગ્સના કેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે. ત્યાર બાદ રેહાના તેની ભાણેજ નીગત શેખ અને ભાણેજ જમાઇ મોહંમદકાલીમ શેખ સાથે મળીને એમડી ડ્રગ્સનો જથ્થો લાવીને રેહાના પઠામના ઘરમાંથી વેચાણ કરતાં હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે એસઓજી પો.ઇ. વિ.એસ.પટેલ તથા તેમની ટીમ દ્વારા બુધવારે મોડી રાત્રે નવાબવાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન રેહાના ઇમરાન ખાન ઉર્ફે ચિકનદાનો પઠાણના મકાનમાંથી ૧૧૦.૯૨ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમયે મોહમંદકાલીમ મોહંમદકાસીમ શેખ તથા નિગત મોહંમદ કાલીમ શેખ પણ ત્યાં જ મળી આવ્યા હતા. જેના પગલે કારેલીબાગ પોલીસ મથકમાં ત્રણેવ સામે એડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરીને કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.
ઝડપાયેલ મોહંમદકાલી શેખ અને તેની પત્ની નિગત શેખ હાલમાં નવાબવાડા વિસ્તારમાં જ હસનેન ફ્લેટ ખાતે રહે છે. આ અગાઉ મણીયાર મહોલ્લો, મહીલા પોલીસ સ્ટેશનની સામે, ભૂતડીઝાંપા રોડ, કારેલીબાગ ખાતે રહેતા હતા. તેમની પાસેથી એક લાખ રોકડા તથા મોબાઇલ પણ મળી આવતાં પોલીસે કુલ ૧૨.૪૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર ફૈઝલ નામના શખ્શને વોન્ટેડ જાહેર કરીને તેની પણ શોધખોળ શરૂ કરી દીધી છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
