<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

અમદાવાદના બોપલ વિસ્તારમાં આગની ઘટના બાદ શાંતિ એશિયાટિક સ્કૂલને બંધ કરવાનો લેવાયો નિણૅય : જ્યાં સુધી શાળા બંધ રહેશે ત્યાં સુધી શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે :જુઓ વિડિઓ

ઘટનાને છુપાવવામાં આવી હતી : બાળકોને પણ ફાયરની મોકડ્રીલ ચાલતી હોવાથી તાત્કાલિક બહાર નીકળો એ રીતની બનાવટ કરીને બહાર લઈ જવાયા હતા. જો કે શાળાના બાળકોએ જ શાળા દ્વારા ચલાવાયેલા જુઠાણાનો પર્દાફાશ કર્યો અને વાલીઓને જાણ કરતા મોટી સંખ્યામાં વાલીઓએ શાળા પર હલ્લાબોલ કર્યો

અમદાવાદ તા.૧૨ : અમદાવાદમાં શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગઈકાલે એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બની હતી. જે બાદ શાળા દ્વારા આ સમગ્ર ઘટનાને છુપાવવામાં આવી હતી અને વાલીઓને પણ આ અંગે કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. બાળકોને પણ ફાયરની મોકડ્રીલ ચાલતી હોવાથી તાત્કાલિક બહાર નીકળો એ રીતની બનાવટ કરીને બહાર લઈ જવાયા હતા. જો કે શાળાના બાળકોએ જ શાળા દ્વારા ચલાવાયેલા જુઠાણાનો પર્દાફાશ કર્યો અને વાલીઓને જાણ કરતા મોટી સંખ્યામાં વાલીઓએ શાળા પર હલ્લાબોલ કર્યો હતો.

સૌપ્રથમ તો વાલીઓ સમક્ષ મેનેજમેન્ટ એ વાત સ્વીકારવા તૈયાર જ ન હતુ કે શાળામાં આગ લાગી હતી. જો કે બાળકોને જણાવ્યા મુજબ એક વર્ગખંડમાં એસીમાં શોર્ટ સર્કિટને કારણે મોટાપાયે બ્લાસ્ટ થયો હતો અને આગ ફેલાઈ ગઈ હતી. ઘટનાના પ્રત્યક્ષદર્શી બાળકો પણ આ જોઈને ડરી ગયા હતા અને ચારથી પાંચ બાળકો બેભાન પણ થઈ ગયા હતા. આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવા છતા શાળા તેને મોકડ્રીલ હોવાનુ કહી સમગ્ર ઘટના પર ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કર્યો. જેના કારણે વાલીઓનો આક્રોષ ભભુકી ઉઠ્યો હતો.

આગની ઘટના છુપાવ્યા બાદ શાળાને બંધ કરવાનો નિર્ણય

આ સમગ્ર મામલે વાલીઓની ફરિયાદ બાદ શાંતિ એશિયાટિક સ્કૂલને આગની ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાના જણાવ્યા મુજબ બાળકો માટે શાળાનું બિલ્ડીંગ સલામત છે કે કેમ તે સુનિશ્ચિત થયા બાદ જ શાળાને ખોલવાની પરવાનગી આપવામાં આવશે. ત્યાં સુધી શાળા પાસેથી પણ એવી લેખિત બાંહેધરી લેવામાં આવશે કે બાળકોના શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ સમાધાનકારી વલણ નહીં અપનાવે.

(4:17 PM IST)