તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
કોલેરાનો કહેર : રાજ્યમાં ૩ મહિનામાં ૬૦ કેસ : ૩ના મોત
૨૦૦ વર્ષ પહેલા કોલેરાથી ભારતમાં લાખો લોકોએ જીવ ગુમાવેલા : ૨ સદી બાદ ફરી ગુજરાતમાં બિલ્લીપગે કાળ બની ઘૂસી રહ્યો છે કોલેરા : તંત્રની નિષ્ફળતા સ્થિતિ વણસાવી શકે છે વી.કોલરી નામના બેકટેરિયાથી થાય છે જીવલેણ રોગ કોલેરા : હવા, પાણી, ખોરાક ખરાબ હશે તો કોલેરા બનાવી લેશે શિકાર : ૪૩ દેશના ૧૦ કરોડ લોકો ઉપર ખતરો

રાજકોટ તા. ૧૨ : ગુજરાતમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય અને મચ્છરજાન્ય રોગચાળા વધ્યા છે. હોસ્પિટલમાં જોવા મળતી લાંબી લાઈનો અને સામાન્ય તાવ-શરદી સિવાય કોલેરા અને ટાઈફોઈડ જેવા જીવલેણ રોગના દર્દીઓની વધતી સંખ્યાએ આરોગ્ય તંત્રની પોલ ખોલી નાખી છે. રાજયમાં છેલ્લા ત્રણ મહિનામાં કોલેરાના ૬૦ જેટલા કેસ નોંધાયા છે. જયારે ઉપલેટા તા.માં ૬ દર્દીના મોત થયા છે, રાજયમાં સૌથી વધુ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા છે. મૃતકોમાં રાજકોટના ઉપલેટા પંથકના અને બનાસકાંઠાના દર્દી સામેલ છે. આ ઉપરાંત અન્ય એક દર્દી ગાંધીનગરના હોવાનું કહેવાઈ રહ્યું છે. જો રાજકોટનો વાત કરવામાં આવે તો શહેરના લોહાનગર વિસ્તારને કોલારાએ પોતાની ઝપેટમાં લઈ લીધો છે. આપણી આસપાસ ફેલાઈ રહેલા કોલેરાથી બચવા તેની જાણકારી-સાવચેતી રાખવી જરૂરી છે.
ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે એટલે ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય છે. આ સિઝનમાં અનેક લોકો બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શનનો શિકાર બને છે. વરસાદમાં વી. કોલરી નામનો બેક્ટેરિયા પણ ખૂબ એક્ટિવ થઈ જાય છે. આ બેક્ટેરિયાના કારણે લોકો કોલેરાનો શિકાર બને છે. કોલેરાના બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ્યાના થોડા કલાકોમાં જ ઝાડા-ઉલટી શરૂ થઈ જાય છે. કોલેરાના ચેપ પછી શરીરમાં પાણીની અછત થાય છે. જો ટૂંકસમયમાં સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે. કોલેરા એક ઝડપથી ફેલાતો રોગચાળો છે એટલે સાવધાની પણ એટલી જ જરૂરી છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર કોલેરા એક ચેપી રોગ છે. વાસી ખોરાક અને પ્રદૂષિત પાણીને કારણે કોલેરા થાય છે. કોલેરા પેદા કરતા બેક્ટેરિયા ગંદા પાણી, દરિયાઈ ખોરાક અને કાચા ફળોમાં હોય છે. કોલેરાના વધતા કહેર વચ્ચે ખોરાક અને પાણી સ્વચ્છ રાખવા-આરોગવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જેᅠવિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ છે ત્યાં કોલેરા ફેલાવાનું જોખમ વધારે છે. તેથી આસપાસનું વાતાવરણ પણ સ્વચ્છ રાખવું જોઈએ. કોલેરાના લક્ષણો જેવા કે, ઝાડા-ઉલટી, પેટમાં દુઃખાવો, તાવ, ગળું સુકાવું, શરીરમાં પાણીની ઉણપ વગેરે જણાતા જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ ડોક્ટરની સલાહ અનુસાર સારવાર લેવી જોઈએ.
કોરોનાથી પણ વધુ ઘાતક કોલેરાનો ૪૩ દેશોના ૧૦૦ કરોડ લોકો પર ખતરો
રાજકોટ : ભારતમાં ભૂતકાળની અંદર કોલેરાનું સાંભળતા જ કાંપી ઉઠાતું હતું. કારણ કે, ૨૦૦ વર્ષે પૂર્વે શરૂ થયેલી આ મહામારીએ વિકરાળ રૂપ ધારણ કર્યુ હતું અને ભારતમાં અંદાજિત ૧૦થી ૨૦ લાખ લોકોનો ભોગ લઈ લીધો હતો. હવે બે સદી બાદ ફરીથી કોલેરા પોતાનો કહેર વરસાવવાની તૈયારી કરી રહ્યો હોય એવું જણાય રહ્યું છે. જેની જાણકારી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ગત વર્ષે જ આપી છે. યુએનના નવા અહેવાલ મુજબ ૪૩ દેશોમાં લગભગ ૧૦૦ કરોડ લોકોને કોલેરા થવાનો ખતરો છે, જેમાં ખાસ કરીને બાળકો કોલેરાની ઝપેટમાં સૌથી વધુ અને સૌથી પહેલા આવી શકે છે. અહેવાલ દર્શાવે છે કે, છેલ્લા કેટલાક દસકોના ઘટાડા પછી કોલેરાનો રોગચાળો ફરી વધીને પ્રસરી રહ્યો છે. પાંચ વર્ષથી નીચેના બાળકોને કોલેરા થવાનો સવિશેષ ખતરો છે. કોલેરાની મહામારી કોરોનાથી પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોલેરા હજુ પણ વૈશ્વિક જોખમ છે, જે ગમે તે સમયે ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે. જોકે તેનાથી ડરવાની જરૂર નથી કારણ કે, યોગ્ય બચાવ અને સાવધાનીના પગલાથી તેને રોકી કરી શકાય છે. એક રિપોર્ટ અનુસાર ૨૦૧૧થી ૨૦૨૦ની વચ્ચે ભારતમાં ૫૬૫ વખત કોલેરાનો પ્રકોપ જોવા મળ્યો છે, જેમાં ૨૬૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
