તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 11th July 2024
રાજ્યના 90 તાલુકામાં વરસાદ: છેલ્લા 2 કલાકમાં આણંદના બોરસદમાં ધોધમાર દોઢ ઈંચ ખાબક્યો
સાંજે વડોદરાના ડભોઈમાં 22 મિ.મી. અમરેલીના લાઠીમાં 17 મિ.મી, કુકાવાવમાં 15 મિ.મી, રાજકોટના જેતપુરમાં 14 મિ.મી અને આણંદના આંકલાવમાં 12 મિ.મી વરસાદ

અમદાવાદ :રાજ્યના 90 જેટલા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં રાજ્યના 15 જેટલા તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 4 તાલુકામાં 2 ઈંચથી વધુ અને બે તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
સુરતના કામરેજમાં સૌથી વધુ 3.18 ઈંચ અને આણંદના બોરસદમાં 3.11 ઈંચ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકામાં જોઈએ તો, રાજકોટના ઉપલેટામાં સવા 2 ઈંચ, અમદાવાદના ધંધુકામાં 2 ઈંચ, અમરેલીના ખાંભામાં 2 ઈંચ, સુરતમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે આજે વહેલી સવારથી સુરતમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. બીજી તરફ વરસાદ વરસતા સ્કૂલ, કૉલેજ અને નોકરી-ધંધે જતાં લોકોને છત્રી અને રેઈનકોટ લઈને જવાની ફરજ પડી હતી. જ્યારે સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંડવી, માંગરોળ સહિતના તાલુકાઓમાં પણ વરસાદના ઝાપટા પડ્યા છે.
જો સાંજે 4 થી 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઈએ તો, આ બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 19 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ આણંદ જિલ્લાના બોરસદમાં 37 મિ.મી. એટલે કે સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાય વડોદરાના ડભોઈમાં 22 મિ.મી. અમરેલીના લાઠીમાં 17 મિ.મી, કુકાવાવમાં 15 મિ.મી, રાજકોટના જેતપુરમાં 14 મિ.મી અને આણંદના આંકલાવમાં 12 મિ.મી વરસાદ નોંધાયો છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
