તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Wednesday, 3rd July 2024
રાજ્યમાં 46 તાલુકામાં 1થી 10 ઈંચ સુધી ધોધમાર વરસાદ; લાખણીમાં અનરાધાર વરસાદથી જનજીવન ખોરવાયું
12 તાલુકામાં 2 ઈંચથી વધુ, 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો

અમદાવાદ : ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ખાસ કરીને બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ લાખણી તાલુકામાં દિવસ દરમિયાન સાડા 10 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. જેના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી આંકડા અનુસાર, આજે રાજ્યના 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી 46 તાલુકામાં 1 ઈંચથી વધુ, 12 તાલુકામાં 2 ઈંચથી વધુ, 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જ્યારે સાંજે 8 થી 10ના બે કલાકના સમયગાળામાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો, આ દરમિયાન 15 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી ખેડા જિલ્લાના કપડવંજમાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ સિવાય મહિસાગરના લુણાવાડામાં 19 મિમી, ખેડાના કઠલાલમાં 12 મિમી વરસાદ ખાબક્યો છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આજે મેઘરાજાએ વહેલી સવારથી બઘડાટી બોલાવતા જનજીવન ખોરવાઈ ગયું છે. આજે દિવસ દરમિયાન ખાબકેલા સાડા 10 ઈંચ જેટલા વરસાદથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.
ધોધમાર વરસાદના પગલે લાખણીની બજારમાં આવેલી દુકાનોમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા. જેથી વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. કોઈ પણ સમસ્યાને પહોંચી વળવા માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે, તો ડીસામાં SDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
