<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

નેત્રંગમાં વરસાદની સાથે ગંદકીનું સામ્રાજ્ય વધતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત

રસ્તા ઉપર ઠેર-ઠેર મોટા ખાડા પડતા વાહનચાલકને હાડમારી અને મચ્છરોનો વધતો ઉપદ્રવ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનની હજુ તો શરૂઆત જ થઈ છે. ત્યાંતો કચરાના ઢગ અને ગંદકીનું સામ્રાજ્ય ફાટી નિકળ્યું છે. કોઈપણ પ્રકારના આયોજન વગર બનાવી દેવામાં આવેલ ગટરોમાં પાણીનો નિકાલ નહીં થતાં દુષિત પાણી રસ્તા ઉપર ફળી વળ્યું છે. ભારે ગંદકી-દુઁગંધના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત જણાતા ગ્રામજનોમાં રોષ જણાઇ રહ્યો છે. પરંતુ જવાબદાર પદાધિકારીઓ-અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં જણાઇ રહ્યા છે.
    નેત્રંગમાં સમાન્ય વરસાદની સાથે રોડ-રસ્તાનું ભારે ધોવાણ થયું છે. રસ્તા ઉપર ઠેર-ઠેર મોટા ખાડા પડતા અને તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થવાથી વાહન ચાલકોને ખાડાનો અંદાજ રહેતો નથી. જેથી વાહન ચાલકોની મામુલી ભૂલ ના કારણે હાડકા ભાંગી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. પરંતુ માગઁ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ આ રસ્તા પરથી પસાર થતા હોવા છતાં આંખ આડા કાન કરી મૌન ધારણ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ રસ્તો અને ગંદકી માટે તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માંગ ઉઠી છે.

(10:37 PM IST)