<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની જમાવટ :45 તાલુકામાં વરસાદ: લાખણીમાં 8 કલાકમાં 9 ઈંચ ખાબક્યો: દુકાનો અને ઘરોમાં પાણી

સાંજે 4 થી 6ના બે કલાકમાં 36 તાલુકામાં વરસાદ:દાંતીવાડામાં સવા 2 ઈંચ, મહેસાણામાં 2 ઈંચ, બેચરાજીમાં સવા ઈંચ અને લાખણીમાં પોણા ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદ :હવે મેઘરાજા ઉત્તર ગુજરાતને ઘમરોળી રહ્યા છે સાંજે 6 વાગ્યા સુધીમાં 45 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.  બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં 8 કલાકમાં 9 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે.

આજે રાજ્યના 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી ઉત્તર ગુજરાતના 45 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના લાખણીમાં તો જાણે આભ ફાટ્યું હોય તેમ બપોરે 12 થી 2 વાગ્યાના 2 કલાકના સમયગાળામાં સવા 6 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે દિવસ દરમિયાન 9 ઈંચ વરસાદ નોંધાયો છે. જેને પગલે અહીં જનજીવન ખોરવાયું છે.

બીજી તરફ ભારે વરસાદના પગલે લાખણીમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લાખણીના ગોળા ધુણસોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યારે નીચાણવાળા ભાગોમાં લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને પગલે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે ડીસા ખાતે NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યારે ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડા બેટના રણમાં વરસાદી પાણી ભરાઈ જવાથી દરિયા જેવી સ્થિતિ સર્જાઈ છે.

જો ઉત્તર ગુજરાતના તાલુકામાં ખાબકેલા વરસાદના આંકડા મુજબ મહેસાણામાં પોણા 4 ઈંચ, બેચરાજીમાં પોણા 4 ઈંચ, વાવમાં સવા 3 ઈંચ, સૂઈગામમાં 3 ઈંચ, સિદ્ધપુરમાં અઢી ઈંચ, થરાદમાં અઢી ઈંચ, દાંતીવાડામાં સવા 2 ઈંચ, ઉંઝામાં પોણા 2 ઈંચ, પાટણમાં પોણા 2 ઈંચ, સરસ્વતીમાં પોણા 2 ઈંચ,ચાણસ્મામાં પોણા 2 ઈંચ, હિંમતનગરમાં દોઢ ઈંચ, જોટાણામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

 સાંજે 4 થી 6ના બે કલાકના સમયગાળામાં વરસેલા વરસાદના આંકડા મુજબ  36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના દાંતીવાડામાં સવા 2 ઈંચ, મહેસાણામાં 2 ઈંચ, બેચરાજીમાં સવા ઈંચ અને લાખણીમાં પોણા ઈંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 5 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(8:24 PM IST)