તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
અમદાવાદઃ ઇસ્કોન-આંબલી રોડ ઉપર ૭૦૦૦ વારનો પ્લોટ ૨૫૦ કરોડમાં વેચાયો
રિયલ એસ્ટેટ માર્કેટમાં એક નવો રેકોર્ડ : સ્વાતી ગ્રૂપે પ્રતિ ચો.વાર દીઠ ૩.૩૦ થી ૩.૪૦ લાખના ભાવે સોદો કર્યો

અમદાવાદ, તા.૨: ઇસ્કોન-આંબલી રોડ ઉપર એક જમીનના પ્લોટનો અંદાજે રૂ. ૨૫૦ કરોડમાં સોદો થતાં રિયલ એસ્ટેટ માર્કેટમાં એક નવો રેકોર્ડ સ્થપાયો છે. આ રોડના પટ્ટા પર આવેલી અશોક વાટિકા સોસાયટીની બરાબર સામે આવેલી એકતા ફાર્મ સોસાયટીનો સોદો પ્રતિ ચો.વાર દીઠ રૂ. ૩.૩૦ લાખથી રૂ. ૩.૪૦ લાખના ભાવે આ સોદો થયો છે.
રિયલ્ટી માર્કેટના નિષ્ણાતોના કહેવા મુજબ અત્યાર સુધી આ પટ્ટા ઉપર આવેલી વિવિધ જમીનોના જે સોદા થયા તેના કરતા આ સોદો સૌથી મોટો નોંધાયો છે. પ્રતિ. ચો. વારના જે ભાવે આ સોદો થયો છે તેની ગણતરી કરતાં કુલ સોદો રૂ. ૨૦૦ કરોડથી રૂ. ૨૫૦ કરોડની આસપાસનો આ સોદો હોવો જોઇએ.
૬૦૦૦ થી ૭૦૦૦ ચો.વારનું ક્ષેત્રફળ ધરાવતા આ પ્લોટને ખરીદનાર શહેરનું સ્વાતી ગ્રૂપ આ જગ્યાએ કોઇ ભવ્ય અને આઇકોનિક બિલ્ડિંગ ઉભું કરે એવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે સ્વાતી ગ્રૂપના આ રોડ ઉપર અન્ય બે થી ત્રણ પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે. જેના પ્રવેશ દ્વારની બરાબર સામે બીઆરટીએસનું બસ સ્ટેન્ડ આવેલું છે તે એકતા ફાર્મ આ રોડ ઉપર ખુબ પ્રખ્યાત અને જાણીતું સ્થળ છે. આ ખરીદનાર ગ્રૂપને સૌથી મોટો ફાયદો એ થશે કે આ પટ્ટા ઉપરના રોડ ખુબ પહોળા છે તેથી તેને ૪ એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્ષ)નો લાભ મળશે અને જો આઇકોનિક બિલ્ડિંગ ઉભું કરશે તો ૫.૪ એફએસઆઇનો લાભ મળશે.
આ જમીનના સોદો સાથે નજીકથી સંકળાયેલાં સૂત્રોએ કહ્યું હતું કે આ પ્લોટ ઉપર વિવિધ પ્રકારના બંગલા આવેલા છે અને પ્લોટનો માલિક પણ અહીં પોતાનો બંગલો ધરાવે છે, પરંતુ તમામ સભ્યોને ખુબ મોટી રકમનું વળતર મળતા તેઓને સર્વસંમતિથી આ પ્લોટનો સોદો કરવાની મંજૂરી આપી હતી. આ પ્લોટને ખરીદનાર સ્વાતી પ્રોકોનના એમડી સાકેત અગ્રવાલે કહ્યું હતું કે આ પટ્ટા ઉપર ખુબ પહોળા રોડ આવેલાં છે, બીજું કે તે તમામ મહત્વની સોસાયટીઓ સાથે અને બીઆરટીએસ સાથે સારી રીતે સંકળાયેલા છે. આ તમામ લાભ ઉપરાંત ૫.૪ એફએસઆઇના લાભને ધ્યાનમાં લેતાં અમે અહીં એક આઇકોનિક બિલ્ડિંગ ઉભું કરવાનું વિચારી રહ્યા છીએ.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
