તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 30th June 2024
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ: 200થી વધુ તાલુકામાં મેઘરાજાનો મુકામ :પલસાણામાં 6 ઈંચ, બારડોલીમાં સવા 5 ઈંચ ખાબક્યો
કામરેજમાં પોણા 5 ઈંચ,વાપી અને મહુવામાં સાડા 4 ઈંચ:ઓલપાડ અને વલસાડમાં 4 ઈંચ વરસાદ:75 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ, 34 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 12 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ :દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં હોય તેમ શહેરમાં આખા દિવસ દરમિયાન 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે દિવસ દરમિયાન રાજ્યના 204 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ અને બારડોલીમાં સવા 5 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય કામરેજમાં પોણા 5 ઈંચ, ઓલપાડમાં સાડા 4 ઈંચ,વાપીમાં સાડા 4 ઈંચ, મહુવામાં સાડા 4 ઈંચ અને વલસાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આખા દિવસ દરમિયાન રાજ્યના 75 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ, 34 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 12 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 2 કલાકમાં સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાજ્યના 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 3 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ જિલ્લાના ભૂજમાં 29 મિમી, મુન્દ્રામાં 25 મિમી તેમજ મહેસાણાના સતલાસણામાં 28 મિમી, બનાસકાંઠાના ધાનેરામાં 23 મિમી, જામનગરના જોડિયામાં 22 મિમી અને દેવભૂમિ-દ્વારકાના ખંભાળિયામાં 20 મિમી વરસાદ વરસ્યો છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
