તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ, વાપીમાં બે કલાકમાં 4 ઈંચ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો: સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.
આજે સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારના 8 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપીમાં બે કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વાપીમાં 3.9, મહુવા (સુરત)માં 1.9, સંખેડામાં 1.7, બોડેલીમાં 1.6, સુરત શહેરમાં 1.3, ધોરાજીમાં 1.3, ઉમરગામમાં 1.3, ભરૂચમાં 1.2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
સુરત અને વલસાડમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાવણી લાયક વરસાદ આવતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
