<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

બીલીમોરામાં 6 વર્ષીય બાળકી ખુલ્લી ગટરમાં પડી : 22 કલાકની ભારે શોધખોળ બાદ મૃતદેહ મળ્યો

વઘારીયા બંદર નજીક વાડિયા શિફ્ટ યાર્ડ ખાતેથી બાળકીનો મૃતદેહ મળ્યો: પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા

નવસારીના બીલીમોરાના વખારીયા રોડ પર રહેતા શેખ પરિવારની 6 વર્ષીય બાળકી રમતા રમતા ખુલ્લી ગટરમાં પડી ગયી હતી અને પાણીમાં ગરકાવ થઇ ગયી હતી. બાળકી ગુમ થતા પરિવારજનોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી પરંતું બાળકીનો કોઈ પતો લાગ્યો ના હતો. બાદ ત્યાં લાગેલા CCTV કેમેરા તપાસતા 6 વર્ષીય બાળકી શાહિન ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં પડતી હોવાનું જણાઈ આવ્યું હતું. ખુલ્લી ગટરમાં પડ્યાની ગણતરીની સેકન્ડોમાં જ બાળકી ગરકાવ થતા જોવા મળી હતી.

બીજી તરફ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે પાંચ-છ કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી ફરી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. 22 કલાકની ભારે શોધખોળ બાદ વઘારીયા બંદર નજીક વાડિયા શિફ્ટ યાર્ડ ખાતેથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જેને પગલે બાળકીના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. પિતાએ પોતાની વ્હાલસોયી દીકરીના મૃતદેહને ગળે લગાવી લીધો હતો.

આજે વહેલી સવારથી બીલીમોરા ફાયરની ટીમ દ્વારા ફાયર બોટ લઈને બાળકીની શોધખોળ હાથ ધરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારે ઘટના બન્યાને અંદાજીત 22 કલાક બાદ બાળકીનો મૃતદેહ અંબિકા નદીમાંથી મળ્યો હતો. માસુમ દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો

(1:29 PM IST)