<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા :જાણો હવામાન વિભાગ દ્વારા ક્યાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ-યલો એલર્ટ ? : જુઓ વિડીયો

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન : સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના

અમદાવાદ :આગામી ત્રણ દિવસ મેહુલિયો મન મુકીને વરસશે અને ગુજરાતની તરસી ધરાને તરબોળ કરશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેમા રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડશે.   28 જુનની વાત કરીએ તો આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યુ છે.

જે જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમાંબનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અનેત તાપીનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો ઍલર્ટ આપવામાં આવ્યુ છે.

29 જૂને નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 30 જૂને ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

(10:59 PM IST)