<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

બદઇરાદે અપહરણ કરનાર યુવક બાળકીને બગીચામાં છોડીને ભાગ્યો : વિજય મહાતો પકડાયો

અમદાવાદમાં શેરીના શ્વાનની વફાદારી અને ચોકીદારની સતર્કતા કામ આવી પોલીસે સતત ૩૬ કલાક CCTV કેમેરામાં તપાસ કરેલ

અમદાવાદ તા. ૨૪ : વસ્ત્રાપુરના ગુરૂદ્વારા નજીક ગત તા. ૨૦ અને ૨૧ મીની મધ્યરાત્રીએ એક વ્યકિત માસૂમ બાળકીને લઈને જઈ રહ્યો હતો. અજાણ્યા વ્યકિતને આ રીતે જતો જોઈ અહીંના રખડતા શ્વાન સતર્ક થઈ ગયા અને એક સાથે ભસવા લાગ્યા. શ્વાનના સામુહિક ભસવાના સતત અવાજને કારણે અહીં રહેતા લોકો જાગી ગયા હતા.

વસ્ત્રાપુર બગીચામાં અજાણી બાળકી રડતી હાલતમાં મળી આવતા સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે આ સમગ્ર ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું કે વસ્ત્રાપુર પોલીસે બાળકીના માતા પિતાને શોધવા દરમ્યાન CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી કે બાળકી કોણ છે અને તે, તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ અને સતત ૩૬ કલાક ની તપાસ ને અંતે રોડ પરના CCTV કેમેરામાં બાળકી સાથે એક યુવક જતો દેખાયો.જે ફૂટેજ મળ્યા તેમાં આરોપીની ઓળખ કરવી શક્ય નહોતી. અન્ય CCTV ફૂટેજની ચકાસણી કરી અને તેમાં પગેરૂ હોટેલ હયાત અને હોટેલ મેરિયોટ સુધી પહોંચ્યું. CCTV ફૂટેજને આધારે ક્રાઇમ બ્રાન્ચની તપાસ આ બંને હોટેલો સુધી પહોંચી તો આ શખ્સ વાસણ ધોવાનું કામ કરતો અંદાજે ૨૦ વર્ષીય વિજય કુમાર મહાતો હતો.

જે મૂળ બિહારનો વતની છે.પૂછપરછમાં ખુલાસો થયો કે તે રસ્તા પરથી જઈ રહ્યો હતો તે સમયે બાળકી તેની માતા પાસે સુઈ રહી હતી, ત્યારે બદ-ઇરાદે તેનું અપહરણ કર્યું હતું. પરંતુ કૂતરા ભસવા લાગતા અને એક ચોકીદાર આવી જતાં તે બાળકીને ત્યાંજ મૂકી ફરાર થઇ ગયો હતો.

ક્રાઇમ બ્રાન્ચે વિજયની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. આ પ્રકાર ની અન્ય કોઈ ઘટના ને તેના દ્વારા અંજામ આપવામાં આવ્યો છે કે કેમ અને તેની સાથે આવા અન્ય કોઈ વિકૃત છે કે કેમ તે અંગે પોલીસ ની તપાસ જારી છે.જોકે આ ઘટના એ ફરી એકવાર શ્વાનની વફાદારી અને સતર્કતાને ઉજાગર કરી છે. માનવી ભલે રાત્રીની મીઠી નીંદર માનતો હોય પરંતુ આ અબોલ પશુ એવા શ્વાન  રખડતું જીવન જીવીને પણ ચોકીદારીને પોતાની ભૂમિકા વફાદારી પૂર્વક નિભાવતા હોય છે

(3:56 PM IST)