તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 24th June 2024
PG-NEET છેલ્લી ઘડીએ રદ થતા હજારો વિદ્યાર્થી- વાલીની આર્થિક, માનસિક, શારીરિક હેરાનગતિ
મોટાભાગના વિદ્યાર્થીઓને નજીકના સેન્ટરો નહીં મૃવાને કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ ઉપરાંત મુંબઇ, સુરત વગેરે કેન્દ્રો પર પરીક્ષા આપવા માટે આગલી રાત્રે જ પહોંચી ગયા હતા : ગણતરીના કલાકો પહેલાં જ પરીક્ષા રદ કરવાની જાહેરાત છતાં નિર્ણયની ખરાઇ કરવા માટે વિદ્યાર્થીઓ કેન્દ્રો પર ભટકતાં રહ્યા

અમદાવાદ,તા. ૨૪: મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી NEETની વિવાદને પગલે ૨૩મીને રવિવારે સમગ્ર દેશમાં લેવાનારી પોસ્ટ ગ્રેજયુએશન NEETની પરીક્ષા પણ શનિવારે મોડી રાત્રે રદ કરવામાં આવતાં હજારો વિદ્યાર્થી-વાલીઓએ ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. પી.જી.NEET આપનારા વિદ્યાર્થીઓ જે શહેરમાં સેન્ટર આવ્યું હતું, ત્યાં આગળના દિવસે પહોંચી ગયા બાદ મોડી રાત્રે અચાનક પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાતને કારણે વિદ્યાર્થી-વાલીઓ આઘાતજનક સ્થિતિમાં મૂકાયા હતા. આ સાથે જ યુજી-પીજી મેડિકલની એક્ઝામને લઇને મેડિકલજ ગતમાં ચાલતી અરાજક્તાભરી સ્થિતિને કારણે પણ વિદ્યાર્થીઓ હવે શું થશે તેની દ્વિધામાં મૂકાયા હતા.
મેડિકલનો અભ્યાસ પૂરો કર્યા બાદ પોસ્ટ ગ્રેજયુએશન મેડિકલ એટલે કે એમ.ડી.-એમ.એસ.માં પ્રવેશ માટે સમગ્ર દેશમાં આજે એટલે કે ૨૩મી જૂનના રોજ પી.જી.NEET લેવાનું નક્કી કરાયું હતું. સમગ્ર દેશમાંથી અંદાજે પોણા ત્રણ લાખ અને ગુજરાતમાંથી અંદાજે સાડા સાત હજાર વિદ્યાર્થી પી.જી.NEETમાં ઉપસ્થિત રહેવાના હતા. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) દ્વારા લેવાનારી આ પરીક્ષા માટે હોલ ટિકિટ સહિતના વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરીક્ષા માટે મોટાભાગના વિદ્યાર્થીઓને નજીકના સેન્ટેરો નહીં મૃવાને કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ ઉપરાંત મુંબઇ, સુરત વગેરે કેન્દ્રો પર પરીક્ષા આપવા માટે આગલી રાત્રે જ પહોંચી ગયા હતા. અમદાવાદમાં પણ ગણતરીના સ્થળો પર જ આ પરીક્ષા લેવાની હોવાથી બહારગામથી આવતાં મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળની આજુબાજુ આવેલી હોટલમાં રૂમ રાખીને તૈયારી કરતા હતા. સગા-સંબંધીના ઘરે આવેલા વિદ્યાર્થીઓએ પરીક્ષાના આગળના દિવસે જ કેન્દ્રો પર જઇને તમામ પ્રકારની ચકાસણી કરી આવ્યા હતા. આમ, વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તૈયારીમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક રાત્રે પોસ્ટ ગ્રેજયુએશન મેડિકલની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવતાં વિદ્યાર્થી-વાલીઓ ભારે મુંઝવણમાં મૂકાયા હતા. ખરેખર પરીક્ષા રદ કરવામાં આવી તે સમાચાર સાચા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે વિદ્યાર્થી-વાલીઓ દોડાદોડી કરવી પડી હતી. બહારગામથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓ મોડી રાત્રે સમાચારની ખરાઇ કરવા માટે ૨૦ થી ૨૫ કિલોમીટર દૂર આવેલા પરીક્ષા કેન્દ્રો પર જઇને પણ પૂછપરછ કરી આવ્યા હતા.
ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી ફચ્ચ્વ્-યુજીનું સંચાલન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવે છે. આ પરીક્ષામાં ૨૪ લાખથી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં ગ્રેસિંગ માર્કસ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની નવેસરથી પરીક્ષા લેવામાં આવી છે. બીજી બાજુ પોસ્ટ ગ્રેજયુએશન મેડિકલની પરીક્ષાનું સંચાલન નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા કરવામાં આવે છે. આ બોર્ડ કેન્દ્રના હેલ્થ ડિપાર્ટમેન્ટના નેજા હેઠળ આવે છે. આમ, બન્ને બોર્ડ અલગ અલગ હોવાછતાં પી.જી.NEET સ્થગિત કરવામાં આવતાં વિદ્યાર્થી-વાલીઓમાં ભારે દ્વિધાભરી સ્થિતિ ઉભી થઇ હતી.
NEET યુજીમાં ગ્રેસિંગ માર્કસ સાથે પાસ થયેલા ૧૫૦૦થી વધારે વિદ્યાર્થીઓની ફરીવાર પરીક્ષા લેવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં કુલ છ સેન્ટરો પર લેવામાં આવી હતી. આ પરીક્ષામાં છ વિદ્યાર્થી એવા છે કે જેઓને ૭૨૦ માંથી ૭૨૦ માર્કસ પૂરા આવ્યા છે. આજે લેવામાં આવેલી પરીક્ષા કુલ છ સેન્ટરો જેવા કે, મેઘાલય, હરિયાણા, છત્તીસગઢ, ગુજરાત અને ચંદીગઢ વગેરેનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, રિ-એક્ઝામમાં કુલ ૧૫૬૩ વિદ્યાર્થીઓ પૈકી આજે લેવાયેલી પરીક્ષામાં ૮૧૩ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે, બાકીના વિદ્યાર્થીઓ ફરીવાર પરીક્ષા આપવામાં કોઇ રસ દાખવ્યો નહોતો.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
