<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

રાજપીપળામાં BSNL ઇન્ટરનેટના ધાંધિયા : RTO બાદ હવે એસટી ડેપોમાં પાસ કઢાવવામાં તકલીફ

સ્કૂલો શરૂ થતાં રાજપીપળા એસટી ડેપોમાં પાસ કઢાવવા માટે સવારથી મોટી લાઈનો: સરકારી કચેરીઓ, બેન્કો કે એસટી ડેપોમાં છાસવારે BSNLનું નેટ બંધ હોવાની બૂમ હોય ત્યારે અન્ય વિકલ્પ પસંદ કરવો જરૂરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :નર્મદા જિલ્લામાં અનેક કચેરીઓમાં કે અન્ય એકમોમાં BSNL નું ઇન્ટરનેટ વાપરતા હોય આ સર્વિસ અવાર નવાર બંધ થતાં જે તે એકમો માં આવતા અરજદારોને ધક્કે ચઢવું પડે છે. થોડાક દિવસ પહેલા નર્મદા એઆરટીઓમાં પાચ દિવસથી નેટ બંધ હતું જેના કારણે આખા જિલ્લામાંથી કામ અર્થે આવતા લોકોને પરત ફરવું પડ્યું હતું ત્યારે હાલમાં રાજપીપળા એસટી ડેપોમાં પણ આ તકલીફ જોવા મળી છે.
     મળતી માહિતી મુજબ હાલમાં શાળા કોલેજો શરૂ થઈ હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે રાજપીપળા આવતા વિદ્યાર્થીઓ એસટી પાસ કઢાવતા હોય છે પરંતુ BSNL નું નેટ વારંવાર બંધ થતા પાસ કઢાવવા આવતા વિદ્યાર્થીઓને ધક્કો પડે છે અને આ વિદ્યાર્થીઓ ની સવારથી લાંબી લાઈનો પડતી હોવાથી શાળા કે કોલેજમાં જવામાં પણ મોડું થાય છે. કલાકો લાઇનમાં ઉભા રહ્યાં બાદ નંબર આવે ત્યારે જો નેટ બંધ થઈ જાય તો વિદ્યાર્થીનો સમય બગડે છે. અને આ સ્થિતિ માત્ર ડેપોમાં જ નથી કેટલીક કચેરીઓ, એઆરટીઓ બેન્કો સહિતના એકમોમાં પણ જોવા મળી છે,  આમ BSNLની સર્વિસમાં નેટ ની વારંવાર તકલીફ આવતા અરજદારો સહિત વિદ્યાર્થીઓ પણ અટવાઈ રહ્યા છે. તેવામાં જે તે એકમોએ નેટ માટે અન્ય વિકલ્પ પસંદ કરવો જોઈએ

(9:56 PM IST)