<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

ભૂપેન્દ્રભાઈ પટેલ યોગ દિવસની પૂર્વસંધ્યાએ આજે સાંજે બનાસકાંઠાના વડગામડા ગામમાં ગ્રામસભા યોજીને ગ્રામજનો સાથે પ્રત્યક્ષ સંવાદ કરશે

કાલે સવારે રાજ્ય કક્ષાની યોગ દિવસની ઉજવણીમાં ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટ ખાતે સહભાગી થશે

રાજકોટ તા.૨૦ : મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે તા. ૨૧મી જૂનને શુક્રવારે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટ ખાતે સહભાગી થશે.

  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યોગ દિવસની પૂર્વસંધ્યાએ આજે ગુરૂવારે તા  ૨૦મી જૂને સાંજે બનાસકાંઠા પહોંચશે અને વડગામડા ગામમાં ગ્રામસભા યોજીને ગ્રામજનો સાથે પ્રત્યક્ષ સંવાદ કરવાના છે.

      મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલે આ અગાઉ આદિજાતિ વિસ્તાર નર્મદા અને તાપી જિલ્લાના ગામોમાં રાત્રી રોકાણ તથા ગ્રામસભાઓનું આયોજન કરીને ગ્રામજનો સાથે વાતચીતનો ઉપક્રમ પ્રયોજ્યો હતો.

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રાત્રી ગ્રામસભાઓમાં ગ્રામજનો વચ્ચે બેસીને તેમની સાથે સહજ વાતચીત દ્વારા ગ્રામીણ ક્ષેત્રની સુવિધાઓ, તથા રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય સેવાઓ અંગે માહિતીનું આદાન-પ્રદાન કરે છે અને ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળે છે.

     મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ એ જ ગ્રામસભાની હવેની કડીની પુનઃશરૂઆત બનાસકાંઠાના વડગામડાથી ગુરુવારે રાત્રે કરવાના છે.

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગુરૂવારે વડગામડામાં રાત્રી રોકાણ કરીને વહેલી સવારે નડાબેટ ખાતે યોજાનારા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાશે.

 

(12:27 PM IST)