<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

ટ્રેન મોડી પડે તો રેલવે તંત્ર વળતર ચૂકવવા જવાબદાર

ગ્રાહક કમિશનનો ચૂકાદો

અમદાવાદ,તા. ૨૦: અમદાવાદ ગ્રામ્‍ય ગ્રાહક તકરાર નિવારણ કમીશને એક મહત્‍વના ચુકાદામાં સુપ્રીમકોર્ટના પ્રસ્‍થાપિત સિધ્‍ધાંતને ટાંકતા ઠરાવ્‍યું હતુ કે, રેલ્‍વેને દસ્‍તાવેજી પુરાવાઓ દ્વારા ટ્રેનને લેટ એરાઇવલને એક્‍સપ્‍લેઇન કરવો જોઇએ અને પુરવાર કરવું જોઇએ કે વિલંબ તેમના નિયંત્રણ બહારના સંજોગોના કારણે થયો હતો. ટ્રેનના ડિલે અને લેટ એરાઇવલ માટે રેલ્‍વે તંત્ર વળતર ચુકવવા જવાબદાર ઠરે.

કમિશનના ઇન્‍ચાર્જ પ્રમુખ કે.એમ.દવે અને સભ્‍ય બી.જે.આચાર્યએ પાંચ કલાક ટ્રેન મોડી પડવા બદલ રેલવે તંત્રને જવાબદાર ઠરાવી ફરિયાદી વકીલોને ટિકિટના રિફંડ પેટે રૂા. ૩૩૦૦ની રકમ રિફંડ માટે અરજી કર્યા તા. ૨૨-૮-૨૦૨૧થી વસૂલ આપે ત્‍યાં સુધી ૯ ટકા વ્‍યાજ સાથે ચુકવી આપવા રેલ્‍વે તંત્રને ફરમાન કર્યું હતું.

વધુમાં કમીશને પ્રત્‍યેક ફરીયાદીને થયેલ માનસિક ત્રાસના રૂા. ૫ હજાર અને ફરિયાદ ખર્ચ પેટે રૂ. બે હજાર મળી કુલ રૂાફ ૭ હજાર ચુકવી આપવા પણ રેલ્‍વે સત્તાવાળાઓને હુકમ કર્યો હતો.

કમિશને પોતાના ચુકાદામાં અવલોકન કરતા જણાવ્‍યું કે, ૫ કલાક મોડી હોવાથી ફરિયાદીને જનરલ ટિકિટ લઇ અમદાવાદ આવવું પડયુ હોવાનું સ્‍પષ્‍ટ જણાઇ આવે છે અને આમ, રેલવે સત્તાવાળાઓની સેવામાં ખામી પુરવાર કરવામાં ફરિયાદી સફળ રહ્યા છે. કમિશને રેલવે સત્તાવાળાઓ તરફથી કરાયેલા બચાવને ગ્રાહ્ય રાખ્‍યો ન હતો.

ફરિયાદપક્ષ તરફથી ટિકિટ, ટ્રેનનું સ્‍ટેટસ બતાવતુ સ્‍ટેશનનું ડિસ્‍પ્‍લે બોર્ડનો ફોટો, ટ્રેનના લાઇવ સ્‍ટેટસનો સ્‍ક્રીન શોટ, જનરલ ટિકિની નકલ, લીગલ નોટિસ, ઇમેલ, પત્ર સહિતના પુરાવા રજૂ કર્યા હતા. જેના આધારે સમગ્ર કેસ પુરવાર થયો હતો.

(10:04 AM IST)