તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
ગુજરાતનાં ૨૬ તાલુકામાં વરસાદ : સંતરામપુરામાં દોઢ ઇંચ
ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા જ વરસતો હળવો ભારે વરસાદ

અમદાવાદ,તા.૧૨ : ગુજરાતમાં મંગળવારે ચોમાસાના શ્રીગણેશ થતાની સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. મંગળવારે રાજ્યનાં ૨૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ મહીસાગરનાં સંતરામપુરમાં ૧.૬ ઇંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા -માણે, ગુજરાતમાં મંગળવારે કુલ ૨૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં ૪૦ એમએમ એટલે કે, ૧.૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે પંચમહાલના મોરવા હડફ, ગાંધીનગરનાં કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે મહીસાગરના કડાંણા, દાહોદનાં સંજેલીમાં, કડી, ગાંધીનગર, વલસાડના કપરાડામાં ૧૦ એમએમથી વધારે વરસાદ નોંધાયો છે.
આજે કયાં કયાં વરસાદ પડશે તે અંગેની માહિતી જોઇએ. અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, છૂટાછવાયા સ્થળો પર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. આજે છૂટાછવાયા સ્થળો પર વીજળીના ચમકારા સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને પંચમહાલ, દાહાદ અને મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદનું પૂર્વાનુમાન છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની શકયતા છે.
ગુજરાતમાં મંગળવારે ચોમાસાનું આગમન થઇ ગયુ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટયુબ વીડિયોમાં ચોમાસા અંગે માહિતી આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાએ સમય કરતાં ૪ દિવસ વહેલું પ્રવેશ કર્યો છે. પરંતુ કદાચ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતાની સાથે એક મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, તેવી પણ શકયતાઓ છે. આ વર્ષે બેથી ત્રણ વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી પહેલો મોન્સૂન બ્રેક અંડમાન નિકોબાર ટાપુ પર, તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઇ આસપાસ પણ મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઇ શકે છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
