તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ઉનાળુ વેકેશનનો કાલે છેલ્લો દિવસ છતાં ગુરૂવારથી શાળામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ અંગે અનિશ્ચિતતા
રાજકોટની ૧૦૦ સહિત ગુજરાતની ૧ હજારથી વધુ શાળાઓમાં ફાયર પ્રશ્ને ‘સીલ' લાગેલા છે ત્યારે શાળા કેવી રીતે શરૂ કરવી ? રજૂઆતનો દૌર : કાલે આવનારા નિર્ણય પર મીટ

રાજકોટ તા. ૧૧ : ઉનાળુ વેકેશનનો આવતીકાલે અંતિમ દિવસ છે અને ગુરૂવાર તા. ૧૩ના નવા શૈક્ષણિક સત્રનો શુભારંભ થવા જઇ રહ્યો છે ત્યારે આ વર્ષે નિયત સમયમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે કે નહિ તેની ચર્ચા ચાલે છે. સત્તાવાર રીતે તા. ૧૩ના ગુરૂવારે ૨૦૨૪-૨૫નું શૈક્ષણિક સત્રનો શુભારંભ થવા જઇ રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાત રાજ્યમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે છે અને રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં ફાયર એનઓસી પ્રશ્ને રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. રાજકોટની ૧૦૦થી વધુ મળી ને કુલ ગુજરાતની ૧૦૦૦થી વધુ શાળાઓને ફાયર એનઓસી અને બીયુ પ્રશ્ને કાર્યવાહી કરીને સીલ મારવામાં આવ્યું છે. આ અંગે જે તે મહાનગરોમાં અનેક રજૂઆત કરવામાં આવી છે.
શાળા સંચાલક મંડળે વેકેશન લંબાવવાની માંગ કરી છે. જ્યાં જુના નિયમ મુજબ ફાયર સેફટીના સાધનો હોય ઉપરાંત જ્યાં ઇમ્પેકટમાં અરજી થઇ ગયેલી હોય સરકારી કાર્યવાહીના વિલંબથી શાળાઓને સીલ લાગેલા છે તે તુરંત યોગ્ય કાર્યવાહી કરીને ખોલવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ જવાબદાર સરકારી તંત્ર પણ તેના નિયમો મુજબ કાર્યવાહી કરવા મક્કમ રહ્યું છે.
નાના ભૂલકાઓને શાળાએ લઇ જતી સ્કુલ વેનમાં પણ નવા નિયમ મુજબ જરૂરી પ્રમાણપત્ર હોય તેને જ છૂટ આપવાની સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે તેની સામે પણ વાહન ચાલકોએ થોડો સમય આપવાની માંગ કરી છે.
શાળા સંચાલકો - આચાર્ય અને શિક્ષકો ગુરૂવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવો કે નહિ તેની અવઢવમાં છે. સંભવત આવતીકાલે સાંજે સત્તાવાર જાહેરાત થનાર હોવાનું જાણવા મળે છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
