News of Tuesday, 11th June 2024
ગુજરાત બોર્ડની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થિનીને NEETમાં 705 માર્કસ મેળવ્યાની માર્કશીટ ફરતી થઈ : પરીક્ષાના પરિણામમાં મોટા પાયે છબરડાની શંકા
જો કે NTA દ્વારા હજુ સુધી કોઈ વિગતવાર સ્પષ્ટતા કરાઈ નથી : 1500થી વધુ વિદ્યાર્થીઓને આડેધડ ગ્રેસિંગ આપી દીધા હોવાની ફરિયાદને પગલે ફરી NEET પરીક્ષાની ઉગ્ર માંગ ઉઠી

નવી દિલ્હી તા.૧૧ ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ-ડેન્ટલ સહિતના ચાર કોર્સીસમાં પ્રવેશ માટેની UG-NEETમાં આ વર્ષે મોટા પાયે છબરડા અને ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદો ઉઠી છે અને સુપ્રિમકોર્ટ સુધી મામલો પહોંચ્યો છે. ગુજરાતમાંથી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપનારી એક વિદ્યાર્થિનીના NEET પરિણામને લઈને ચોંકાવનારી વિગતો સોશિયલ મીડિયા દ્વારા સામે આવી રહી છે. જે મુજબ એક વિદ્યાર્થિની ગુજરાત બોર્ડની 12 સાયન્સની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ છે પરંતુ NEETની પરીક્ષામાં 720માંથી 705 માર્કસ મળ્યા છે.
મહત્ત્વનું છે કે, સોશિયલ મીડિયામાં ફરી રહેલી ધોરણ 12ની માર્કશિટ-NEET પરિણામ માર્કશીટ પરથી મળતી માહિતી મુજબ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં ગુજરાત બોર્ડમાંથી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપનારી એક વિદ્યાર્થિની ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં નાપાસ થઈ છે પરંતુ NEETની પરીક્ષામાં 720માંથી 705 માર્કસ મેળવ્યા છે અને ઓલ ઈન્ડિયામાં 1321 તેમજ કેટેગરીમાં 424મો રેન્ક મેળવ્યો છે. જો કે, બોર્ડ પરીક્ષામાં નાપાસ હોવાથી NEETના આટલા સારા પરિણામ બાદ પણ મેડિકલમાં પ્રવેશ ન મળી શકે. આવા અનેક વિદ્યાર્થીઓના પરિણામમાં અને ગ્રેસિંગ બાબતે છબરડાની ફરિયાદો અને વધુ માર્કસ છતાં પણ રેન્ક ખૂબ જ પાછળ હોવાથી માંડી ફર્સ્ટ રેન્કિંગ મેળવનારા વિદ્યાર્થીઓના આગળ પાછળ રોલ નંબર હોવા સહિતના મુદ્દે પણ અનેક શંકાઓ ઉભી થઈ છે.
જો કે NTA દ્વારા હજુ સુધી કોઈ વિગતવાર સ્પષ્ટતા કરાઈ નથી. 1500થી વધુ વિદ્યાર્થીઓને આડેધડ ગ્રેસિંગ આપી દીધા હોવાની ફરિયાદને પગલે ફરી NEET પરીક્ષાની ઉગ્ર માંગ ઉઠી છે પરંતુ 24 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી લેવી તે NTA અને સરકાર માટે ખૂબ જ મોટો પડકાર છે.
NEET પરીક્ષા અને પરિણામને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશનથી માંડી વિદ્યાર્થી સંગઠનો આ મુદ્દે મેદાનમાં આવી ગયા છે અને વિરોધ કરી રહ્યા છે. ABVP દ્વારા NEET પરીક્ષાના પરિણામમાં ગરબડો-ગેરરીતિને લઈને CBI તપાસની માંગ કરવામાં આવી છે ત્યારે NSUI દ્વારા ગઈકાલે ગુજરાત યુનિવર્સિટી ખાતે NEET પરિક્ષાના પરિણામમાં છબરડા-ગોટાળા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
