તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક
ભારત સરકાર વર્ષ ૨૦૨૪-૨૫માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે:દેશના ખેડૂતોને સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ; ભારત સરકારને ટેકાના ભાવની ભલામણ કરવા બેઠકમાં ચર્ચા-વિચારણા કરાઈ: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ના રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવા નવતર પહેલો કરી છે. ખેડૂતોને તેમની ખેતપેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક ઉન્નતી તરફ આગળ વધે તેવા નેક હેતુસર વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને પાકોની ખરીદી કરવામાં આવે છે.
દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈ યોગ્ય પાકોનું વાવેતર કરી શકે. ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ રવિ પાકો પૈકી ગુજરાતના ઘઉં, ચણા, રાયડા અને શેરડી પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ના ટેકાના ભાવ નક્કી કરવા ઘઉં માટે રૂ. ૪૦૫૦ પ્રતિ ક્વિન્ટલ, ચણા માટે રૂ. ૭૦૫૦ પ્રતિ ક્વિન્ટલ, રાયડા માટે રૂ. ૭૨૦૦ પ્રતિ ક્વિન્ટલ અને શેરડી માટે રૂ. ૬૦૦ પ્રતિ ક્વિન્ટલ ભાવની ભારત સરકારને ભલામણ કરવામાં આવશે, તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું.
રાજ્ય કૃષિ ભાવપંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. પુખ્ત વિચારણા અને નિષ્ણાતો દ્વારા નક્કી કરાયેલા ભાવોને ધ્યાને લઇ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઘઉં, ચણા, રાયડો અને શેરડી પાકના રાજ્ય કૃષિ ભાવપંચ દ્વારા ભાલામણ કરવાના થતા ભાવ ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચને મોકલી આપવામાં આવશે.
આ બેઠકમાં નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ આર. સી. મીણા, ખેતી નિયામક સહિતના ઉચ્ચ અધિકારીઓ, ખેડૂત પ્રતિનિધિ સર્વ હિરેન હીરપરા, હિતેન્દ્ર પટેલ અને રમેશ પટેલે બેઠકમાં ઉપસ્થિત રહી પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
