તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
ભાવનગરમાંથી પ્રથમ વખત ચૂંટાયેલા નીમુબેન બાંભણીયાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન
ગોહિલવાડમાંથી ડો.મનસુખભાઇ માંડવીયા સહિત ૨ નો સમાવેશ થતા ભાજપ દ્વારા ઉજવણી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦: ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા ની કેન્દ્રીય મંત્રી તરીકે પસંદગી થતા ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી ફેલાય છે. શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વેચવામાં આવી હતી.
તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાવનગરની લોકસભા બેઠક ઉપરથી જંગી બહુમતીથી ચૂંટાયેલા ભાજપના નિમુબેન બાંભણિયા ની કેન્દ્રીય મંત્રી મંડળ માં પસંદગી થતા ભાવનગરમાં ભાજપના વર્તુળોમાં આનંદની લાગણી ફેલાય છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં મહિલા ઉમેદવારોમાં ભાવનગરના નિમુબેન બાંભણિયા એ ૪.૫૫ લાખની સૌથી વધુ લીડ પ્રાપ્ત કરી છે.
૫૭ વર્ષીય નિમુબેન બાંભણીયાએ B.Sc., B.Ed.નો અભ્યાસ કર્યો છે. તેઓ વ્યવસાયે શિક્ષક છે. નિમુબેન તળપદા કોળી સમાજમાંથી આવે છે. નિમુબેન બાંભણિયા નગરસેવક તરીકે ત્રણ ટર્મ રહ્યા છે. તેઓ વર્ષ ૨૦૦૫થી ૨૦૨૦ સુધી અને સૌથી વધુ મતની લીડથી નિમુબેન બાંભણીયા ઘોઘા સર્કલ વોર્ડમાં જીત મેળવી હતી. નિમુબેન બાંભણીયા ભાવનગર નગરપાલિકાના મેયર તરીકે બે ટર્મ ૨૦૧૫થી ૨૦૧૮ અને ૨૦૦૯ થી ૨૦૧૦ રહી ચૂક્યા છે. જે એક વિક્રમ છે. નિમુબેન બાંભણીયા ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં ૨૦૧૧થી ૨૦૧૬ દરમિયાન ડાયરેક્ટર રહી ચુક્યા છે. આ ઉપરાંત ભાજપ સંગઠનમાં તેઓ ૨૦૧૧થી ૨૦૧૩ સુધી પ્રદેશ ઉપપ્રમુખપદે રહી ચૂક્યા છે.ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખપદે ૨૦૧૩થી ૨૦૨૧ સુધી જવાબદારી સંભાળી ચૂક્યા છે.કોળી સમાજમાં તેઓ આગેવાન છે. તેઓ નવી દિલ્હી અખિલ ભારતીય કોલી સમાજ,રાષ્ટ્રીય મહિલા મોરચાનાના ૨૦૨૨ થી મહામંત્રી છે. સમસ્ત કોળી સમાજ સેવા મંડળમાં સક્રિય છે. ભાવનગર શહેર મહિલા મોરચામાં નિમુબેન વર્ષ ઇ.સ.૨૦૦૯ થી ૨૦૧૧ પ્રમુખ રહ્યા છે. આ સાથે વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૦ ભાવનગર શહેર સંગઠનમાં પણ ઉપપ્રમુખ રહી ચુક્યા છે.ᅠ
ભાવનગરના નિમુબેન ની કેન્દ્રીય મંત્રી તરીકે પસંદગી થતા ભાવનગર ભાજપ દ્વારા ફટાકડા ફોડીને એકબીજાના મોઢા મીઠા કરાવી ખુશી વ્યક્ત કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં અગાઉ પાંચ- પાંચ ટ્રમ સુધી ભાજપના સાંસદ રહેલા રાજેન્દ્રસિંહ રાણા તેમજ બે ટર્મ સાંસદ રહેલા ડો. ભારતીબેન શિયાળ ને મંત્રી પદ પ્રાપ્ત થયું ન હતું પરંતુ પહેલી જ સાંસદ બનેલા નિમુબેન બાંભણિયા એ તરત જ કેન્દ્રમાં પ્રધાનપદુ પ્રાપ્ત કર્યું છે.
નિમુબેન બાંભણિયા ઉપરાંત ડો. મનસુખભાઈ માંડવીયા પણ ભાવનગર જિલ્લાના વતની છે . આમ ભાવનગર ના બે વ્યક્તિઓને કેન્દ્રમાં પ્રધાનપદુ પ્રાપ્ત થયેલ છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
