તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
સ્ટેશનરી-યુનિફોર્મની ખરીદી માટે વાલીઓની દોડધામ
સ્ટેશનરીમાં સરેરાશ ૫ થી ૧૦ ટકાનો ભાવવધારો : સ્કૂલ ડ્રેસ, સ્કૂલ શુઝ તથા અન્ય સામગ્રી માટે પણ માર્કેટમાં તેજી

અમદાવાદ,તા. ૧૦: રાજયની તમામ શાળાઓમાં ૧૩ જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે ત્યારે સત્ર શરૂ થવાના પહેલા શહેરના પુસ્તક અને સ્કૂલ ડ્રેસ સહિતના માર્કેટમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરમાં આવેલા ગાંધી પુલ રોડ સહિતના પુસ્તક બજારમાં પુસ્તક, નોટબુક, સ્ટેશનરીની સામગ્રી માટે વાલીઓના ટોળા ઉમટી પડ્યા છે. આ ઉપરાંત સ્કૂલ ડ્રેસ, સ્કૂલ શુઝ તથા અન્ય સામગ્રી માટે પણ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લી ઘડીની ખરીદી માટે વાલીઓ દોડધામ કરતા નજરે પડ્યા છે. રવિવારના દિવસે પણ શહેરની મોટાભાગની સ્ટેશનરીની દુકાનો ખુલ્લી જોવા મળી હતી અને વાલીઓની રીતસરની ભીડ ખરીદી માટે આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજયની શાળાઓમાં આવતા સપ્તાહે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે. ૧૩ જૂનથી રાજયની તમામ સ્કૂલો રાબેતા મુજબ ધમધમતી થશે. આમ, હવે રાજયમાં સ્કૂલો શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છેલ્લી ઘડીની ખરીદી માટે વાલીઓ બજારોમાં ઉમટી પડ્યા છે. પુસ્તક અને સ્ટેશનરી માર્કેટમાં ખરીદી માટે ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. શહેરમાં આવેલી મોટાભાગની સ્ટેશનરીની દુકાનો પણ એક સમાન ભીડના દૃશ્યો જોવા મળી રહ્યા છે. જયારે શહેરના સૌથી મોટા પુસ્તક બજાર ગણાતા એવા ફર્નાન્ડીઝ બ્રિજ નીચેના માર્કેટમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી સ્થિતી ઉભી થઈ છે.
પુસ્તક બજારમાં અમુક પુસ્તકોની માંગના પગલે સ્ટોક પૂરતો ન હોવાથી વાલીઓને છેલ્લા દિવસો સુધી ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. ઉપરાંત ઘણા વાલીઓ છેલ્લા દિવસોમાં જ ખરીદી માટે બહાર નીકળતા હોવાથી તેઓ પણ પુસ્તકો અને સ્ટેશનરી લેવા માટે બજારોમાં નીકળ્યા હોવાથી માર્કેટ ઉભરાયું હતું. દર વર્ષની જેમ આ વખતે પણ સ્ટેશનરીના ભાવમાં વધારો થયો હોવાનું વાલીઓનું કહેવું છે. સરેરાશ પાંચથી દસ ટકા જેટલો ભાવ વધારો સ્ટેશનરીમાં થયો છે. માત્ર સ્ટેશનરી માર્કેટ જ નહીં, પરંતુ સ્કૂલ ડ્રેસ લેવા માટે પણ વાલીઓ છેલ્લા દિવસોમાં બજારમાં આવ્યા હોવાથી શહેરની સ્કૂલ ડ્રેસની મોટી ગણાતી દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
