<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં ભારે બફારા બાદ વીજળીના ચમકારા વચ્‍ચે ૧ ઇંચ સુધીનો વરસાદ

આગામી ૬ દિવસમાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી

વાદળો દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયા

રાજકોટઃ હવે ૧૨ જુન સુધી સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં પ્રિ-મોનસુન વરસાદ પગલા પાડશે. વાદળાઓ ધીમે ધીમે સૌરાષ્‍ટ્ર-ગુજરાત ઉપર આવવા લાગ્‍યા. દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયા છે. ત્‍યાં વરસાદ શરૂ થયો છે. ઇન્‍સેટ તસ્‍વીરમાં વાદળો દક્ષિણ ગુજરાતમાં કાઠે જોવા મળે છે

 

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી,તા.૮: રાજયભરમાં ભારે બફારા સાથે ગરમીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્‍યારે દક્ષિણ ગુજરાત પંથકમાં વીજળીના ચમકારા સાથે એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

નૈઋત્‍ય દિશા તરફથી ભેજવાળા પવનને પગલે રાજયભરમાં ભારે બફારો થઇ રહ્યો છે, પ્રજાજનો વરસાદની ભારે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ત્‍યારે દક્ષિણ ગુજરાત વીજળીના કડાકા ભડાકા સાથે વાદળોના ગળગળાટ વચ્‍ચે વરસાદ ખાબક્‍યો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા ને જોઈએ તો...માંગરોળ ૨૭ મીમી, સુબીર ૨૦ મીમી, વઘઇ ૧૨ મીમી, ઓલપાડ, ખેરગામ, અને કુકરમુંડા ૮ ...૮....મિમી, સુરત, સોનગઢ, અને માંડવી ૫....૫... મિમી વરસાદ નોંધાયો છે, વાપી ખાતે પણ વહેલી સવારે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારાએ બિહામણું દૃશ્‍ય ઊભું કર્યું હતું પરંતુ માત્ર ઝાપટાં જ પડ્‍યા હતાં જેને પગલે બફારામાં વધારો થયો છે.

જયારે આજે સવારથી છોટાઉદેપુરનાં કવાંટ પંથકમાં માત્ર બે કલાકમાં ૧૫ મીમી, વરસાદ ખાબક્‍યો છે.

હવામાન ખાતા તરફથી કરાયેલ આગાહી અનુસાર ગુજરાત પર સાયક્‍લોનિક સરકયુલેશન બનતા વરસાદની વકી છે, આગામી ૬ દિવસ દરમ્‍યાન અનેક વિસ્‍તારોમાં હળવાથી મધ્‍યમ વરસાદની શક્‍યતા છે.

(1:38 PM IST)