તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
અમદાવાદ મનપાની ચૂંટણીમાં 48 વોર્ડમાં 652 ઉમેદવારો નસીબ અજમાવશે : IIM ગ્રેજ્યુએટથી લઈ નિરક્ષર ઉમેદવારો મેદાનમાં
થલતેજ ભાજપના હિતેશ બારોટ 109 કરોડ સાથે સૌથી ધનિક જ્યારે અસારવા ભાજપના ઉમેદવાર રિક્ષા ચલાવે છે:લક્ઝરી કાર, કરોડનું દેવું અને ગન લાઈસન્સ ધરાવતા ઉમેદવારોએ ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો

અમદાવાદ :અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની કુલ બેઠકો પર અત્યારે 652 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ વખતે ચૂંટણીમાં રસાકસી માત્ર રાજકીય પક્ષો વચ્ચે જ નથી, પરંતુ ઉમેદવારોની પ્રોફાઇલને લઈને પણ ભારે ચર્ચા જાગી છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં એવી વિગતો બહાર આવી છે કે જે લોકશાહીના વિવિધ રંગો રજૂ કરે છે. એક તરફ કરોડોની સંપત્તિ અને લક્ઝરી કાર ધરાવતા ધનિકો છે, બીજી તરફ સામાન્ય રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ગરીબ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે.
આ વખતની ચૂંટણીમાં શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ મોટું વૈવિધ્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે રાજકારણમાં શિક્ષણનું મહત્વ ઓછું મનાય છે, પરંતુ અમદાવાદમાં ચિત્ર અલગ છે. ગોતા વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૌમિક પાઠક દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIM માંથી MBA થયેલા છે. તેવી જ રીતે, ખોખરા ભાજપના ડૉ. જયમીન દવે અને નિકોલ કોંગ્રેસના ભાવિક સોલંકી પીએચડી થયેલા ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો છે. આ ઉપરાંત ડોક્ટરો અને એન્જિનિયરોની પણ મોટી સંખ્યા છે. પાલડી ભાજપના જૈનિક વકીલ વ્યવસાયે સીએ છે, જ્યારે વાસણા કોંગ્રેસના રાજેન્દ્ર પાંડોર માસ્ટર ઓફ એન્જિનિયરિંગ થયેલા છે. જોકે, બીજી તરફ શૈક્ષણિક પછાતપણું પણ જોવા મળે છે. વટવામાં ભાજપના ઉમેદવાર નિર્મલા પાંડે નિરક્ષર છે, તો નવા વાડજમાં કોંગ્રેસના ઉમેદવાર રમીલા ડાભી માત્ર ધોરણ-1 પાસ છે.
સંપત્તિની વાત કરીએ તો ટોચના 10 ધનિક ઉમેદવારોમાં 9 ઉમેદવારો ભાજપના છે. થલતેજ વોર્ડના ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ 109 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. અમરાઈવાડીના ભાજપના ઉમેદવાર તેજેન્દ્ર ચૌહાણ પાસે રેન્જરોવર, જેગુઆરઅને ઈનોવા હાઈક્રોસ જેવી મોંઘીદાટ ગાડીઓ છે. પાલડીના જૈનિક વકીલ પાસે પણ મર્સિડીઝ અને BMW જેવી વૈભવી કારો છે. મક્તમપુરાના કોંગ્રેસના શાકીરહુસૈન શેખ પણ 21.60 કરોડની સંપત્તિ ધરાવે છે.
એક તરફ કરોડોના માલિકો છે, તો બીજી તરફ અસારવા વોર્ડમાં ભાજપના ઉમેદવાર દશરથ પટણી આજે પણ રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઘાટલોડિયાના ભાજપના ઉમેદવાર જાગૃતિ પંડ્યાના બેંક ખાતામાં માત્ર 29 રૂપિયા છે, જોકે તેમની પાસે સોનું અને ચાંદી છે. રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણ પાસે પોતાની માલિકીનું ઘર કે ગાડી નથી, માત્ર રોકડ અને બેંક બેલેન્સ છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
