<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ગાંધીનગર મનપા ચૂંટણીમાં સ્ક્રુટિનીમાં 65 ફોર્મ રદ કરાયા : AAPના 4 મુખ્ય ઉમેદવારો રેસમાંથી બહાર

સ્ક્રુટિની પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ઝાટકો વાગ્યો: પક્ષના 4 મુખ્ય ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કે અન્ય ખામીઓના કારણે રદ થઈ જતાં તેઓ ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા

ગાંધીનગર: મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણી એટલે કે સ્ક્રુટિનીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેના અંતે 65 જેટલા ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠરતા રદ કરવામાં આવ્યા છે. સ્ક્રુટિની બાદ ચૂંટણી ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે અને હવે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જંગનું આખરી ચિત્ર સામે આવશે.

ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ગાંધીનગર મનપાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે વિવિધ પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા કુલ 203 ફોર્મ ભરવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા તમામ ફોર્મની ઝીણવટભરી ચકાસણી બાદ 65 ફોર્મ અમાન્ય ઠેરવાયા છે, જેના કારણે હવે 138 ઉમેદવારો મેદાનમાં માન્ય રહ્યા છે. ચકાસણી દરમિયાન તમામ મુખ્ય રાજકીય પક્ષો દ્વારા સાવચેતીના ભાગરૂપે ઊભા રાખવામાં આવેલા ડમી ઉમેદવારોના ફોર્મ પણ રદ થઈ ગયા છે.

આ સ્ક્રુટિની પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ઝાટકો વાગ્યો છે. પક્ષના 4 મુખ્ય ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કે અન્ય ખામીઓના કારણે રદ થઈ જતાં તેઓ ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા છે. રદ થયેલા ફોર્મમાં વોર્ડ નંબર 2માંથી પ્રવીણભાઈ દંતાણી, વોર્ડ નંબર 5 માંથી જીતેન્દ્ર સોલંકી, વોર્ડ નંબર 9માંથી એક મુખ્ય ઉમેદવાર અને વોર્ડ નંબર 10 માંથી ડૉ. હાર્દિક તલાટી જેવા મુખ્ય ચહેરાઓનો સમાવેશ થાય છે.

(1:05 AM IST)