તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
વલસાડમાં ૨ કલાકમાં ૬.૨ ઈંચ વરસાદઃ કોલેજથી લઈ સરકારી કચેરીઓમાં ભરાયા પાણી
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે : વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે

વલસાડ,તા.૦૩: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ત્યારે વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. આજે સવારે વલસાડ જિલ્લામાં માત્ર ૨ કલાકમાં ૬.૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ અચાનક આવેલા પૂર જેવા માહોલને કારણે સમગ્ર વલસાડ પંથકમાં જનજીવન ખોરવાઈ ગયુ છે. ભારે વરસાદ ખાબકતા વિદ્યાર્થી અને નોકરીયાત લોકોને રસ્તામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ઉલ્લેખીય છે કે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. વલસાડની પ્રસિદ્ધ સાયન્સ કોલેજ કેમ્પસમાં પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. કોલેજમાં પાણી ફરી વળતા શૈક્ષણિક કાર્યને વ્યાપક અસર પહોંચી છે. આ ઉપરાંત, વલસાડ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસની અંદર પણ વરસાદી પાણી ઘૂસી જતાં સરકારી દસ્તાવેજો અને સાધનોને બચાવવા માટે કર્મચારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા અને ઓફિસની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.
બીજી તરફ, વલસાડ શહેર અને ભાગડાવાડા ગામને જોડતા મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભાગડાવાડા વિસ્તારમાં આવેલી યોગેશ્વર નગર સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટું નુકસાન થયું છે. સોસાયટીઓ અને રસ્તાઓ પર પાર્ક કરેલા અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ જવાથી બંધ પડી ગયા છે, જેને કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
