<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર શારીરિક અત્યાચાર ગુજારનાર 57 વર્ષીય મેહબૂબ શેખની જામીન અરજી નામંજૂર

સગીરાને લાલચ આપી તેનો નગ્ન વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી આરોપી અવારનવાર શારીરિક અત્યાચાર કરતો

અમદાવાદ : દાણીલીમડા વિસ્તારમાં ૧૪ વર્ષની સગીરાને લાલચ આપી, તેનો નગ્ન વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક અત્યાચાર ગુજારવાના ગંભીર મામલે પોક્સો કોર્ટે આરોપી મહેબૂબ અહેમદહુસેન શેખ (ઉં.વ. ૫૭)ની નિયમિત જામીન અરજી ફગાવી છે. પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ નીતા હરેશભાઈ વસવેલિયાએ ગુનાની ગંભીરતા અને ભોગ બનનાર બાળકીની ઉંમરને ધ્યાનમાં રાખીને આરોપીને જેલના સળિયા પાછળ જ રાખવાનો આદેશ કર્યો છે.

ફેબ્રુઆરી ૨૦૨૬માં ભોગ બનનાર સગીરા આરોપી મહેબૂબ શેખની દુકાને ગઈ હતી, જ્યાં આરોપીએ તેનો નગ્ન વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સગીરા પર અવારનવાર શારીરિક અત્યાચાર ગુજારવામાં આવતો હતો. આરોપીએ ભોગ બનનારને એવી ધમકી પણ આપી હતી કે જો તે આ અંગે કોઈને કહેશે તો તેના માતા-પિતાને કાર અકસ્માતમાં મારી નખાશે. આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ૧૯ જૂનના રોજ ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. જ્યાંથી આરોપીએ જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપી ૮૫% કાયમી શારીરિક વિકલાંગતા ધરાવે છે અને તે પોતાની દૈનિક પ્રક્રિયાઓ માટે પણ અન્ય પર નિર્ભર છે, તેથી તેની સંડોવણી શક્ય નથી. વળી, ફરિયાદ ૧૨૦ દિવસ મોડી નોંધાઈ છે અને 'જામીન એ નિયમ છે અને જેલ અપવાદ'ના સિદ્ધાંત મુજબ તેને મુક્ત કરવો જોઈએ.

સરકારી વકીલ વી. સી. ચાવડા અને મૂળ ફરિયાદી (ભોગ બનનારની માતા)એ જામીન અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે આ ગુનો અત્યંત ગંભીર પ્રકૃતિનો છે અને જામીન આપવાથી સાક્ષીઓ કે પીડિતાને ધમકી મળી શકે છે. ભોગ બનનાર બાળકીની ઉંમર ઘટના સમયે માત્ર ૧૪ વર્ષની હતી, જ્યારે આરોપીની ઉંમર ૫૭ વર્ષની છે. જ્યાં સુધી આરોપીની ૮૫% શારીરિક વિકલાંગતાની દલીલનો સવાલ છે, તો તે માટે જેલ મેન્યુઅલના નિયમો અનુસાર કેદીને જેલમાં જ યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવી જોઇએ. બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

(1:50 PM IST)