તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
૫૪ વર્ષીય વેપારી હનીટ્રેપ અને બ્લેકમેલિંગનો શિકાર બન્યા
વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી ૮ લાખ પડાવ્યાઃPI હોવાની ઓળખ આપીને આધેડ વેપારીને ડરાવ્યા હતા અને કેસ રફેદફે કરવા માટે ૧૫ લાખ રૃપિયાની મોટી રકમ માગી

અમદાવાદ : અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા ૫૪ વર્ષીય વેપારી હનીટ્રેપ અને બ્લેકમેલિંગનો શિકાર બન્યા છે. વર્ષ ૨૦૨૩માં ટ્રેનની મુસાફરી દરમિયાન પંજાબના ફિરોજપુરના એક યુવક સાથે થયેલી સામાન્ય મિત્રતા આ વેપારી માટે મોટી મુસીબત બની ગઈ. ઠગે આધેડને વિશ્વાસમાં લઈ, તેમની પાસેથી શરૃઆતમાં સહાનુભૂતિના નામે પૈસા પડાવ્યા અને ત્યારબાદ અશ્લીલ વીડિયો બનાવીને લાખો રૃપિયાની ખંડણી વસૂલ કરી હોવાની ખોખરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટનાની શરૃઆત વર્ષ ૨૦૨૩માં થઈ હતી જ્યારે વેપારી પંજાબ જઈ રહ્યા હતા, ત્યારે નિખિલ ખુરાના નામના શખસ સાથે તેમની ઓળખાણ થઈ હતી. બે મહિના પછી નિખિલે માતાની બીમારી અને પરીક્ષાની ફીનું બહાનું કાઢીને વેપારી પાસેથી ગુગલ પે મારફતે ૧૭૦૦૦ રૃપિયા લીધા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૨૫માં નિખિલે વેપારીને વીડિયો કોલ કરી બિભત્સ વાતો કરી તેમને ઉશ્કેર્યા હતા અને છૂપી રીતે અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયોના આધારે નિખિલ અને તેના ભાઈ સાહિલ ખુરાનાએ વેપારીને બદનામ કરવાની ધમકી આપીને ટુકડે ટુકડે ૮.૮૮ લાખ રૃપિયા પડાવી લીધા હતા.આટલા લાખો રૃપિયા પડાવી લીધા પછી પણ ઠગને સંતોષ થયો ન હતો. આ ટોળકીના ત્રીજા સાગરીત રાહુલે પોતે ક્રાઈમ બ્રાન્ચનો PI હોવાની ઓળખ આપીને આધેડ વેપારીને ડરાવ્યા હતા અને કેસ રફેદફે કરવા માટે ૧૫ લાખ રૃપિયાની મોટી રકમ માગી હતી. આ સતત ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે વેપારીએ હિંમત દાખવીને સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદના આધારે ખોખરા પોલીસે ત્રણેય આરોપીઓ નિખિલ, સાહિલ અને રાહુલ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
