<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

મુન્દ્રા ડ્રગ્સ ઓપરેશનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગુજરાત ATS ના 5 જાંબાઝ અધિકારીઓનું વિશેષ સન્માન કરાયું

ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ દ્વારા સન્માનિત: ICG-ATSએ સંયુક્ત કામગીરીથી 119 કિગ્રા કોકેઇન ઝડપ્યું :આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો : કોકેઇનના 115 પેકેજ જપ્ત કરી 3 આરોપીને દબોચ્યા હતા

અમદાવાદ :ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરીને માન્યતા આપતાં ગુજરાત ATS ના પાંચ અધિકારીઓ ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ દ્વારા એનાયત થનારા Director General's Commendation Disc એનાયત કરવામાં આવી છે.ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં અંદાજે 119 કિલોગ્રામ કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મુન્દ્રા બંદર ખાતે હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગના મોટા કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સફળ કાર્યવાહીમાં કુલ 118.977 કિલોગ્રામ કોકેઇનના 115 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે તેમજ ડ્રગ્સની હેરફેર સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના દરિયાકાંઠે બિનવારસી નશીલા પદાર્થો મળી આવવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓને મૂળમાંથી નાબૂદ કરવા માટે ગુજરાત ATS સતત ચોક્કસ બાતમી એકત્રિત કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ તથા તેના સભ્યો સામે અસરકારક કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન ગુજરાત ATSના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી કે બ્રાઝિલથી એક કાર્ગો જહાજ મારફતે મોટી માત્રામાં કોકેઇન ભારત લાવવામાં આવનાર છે.

આ બાતમીના આધારે ATSના પોલીસ અધિક્ષક (SP) કોરુકોન્ડા સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ હરજીતસિંહ ગુરજીતસિંહ રાજ (બકલ નં. 690) તથા પોલીસ કોન્સ્ટેબલ અહેમદ રમજાનભાઈ મકવાણા (બકલ નં. 3379)નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે "યુરોપ" નામના કાર્ગો જહાજ મારફતે આ કન્સાઇનમેન્ટ મુન્દ્રા પોર્ટના આઉટર એન્કરેજ વિસ્તારમાં એક ફિશિંગ બોટને પહોંચાડવાનું હતું અને ત્યારબાદ દિલ્હી ખાતે કેલ્વિન ચુકવુમા તથા બ્યારુહાંગા જેમ્સ સુધી પહોંચાડવાની યોજના હતી.

આ માહિતીના આધારે SP કોરુકોન્ડા સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર બી. એમ. પટેલ, હેડ કોન્સ્ટેબલ કેતન બોરડ (બકલ નં. 1064) તથા પોલીસ કોન્સ્ટેબલ તુષાંતકુમાર ચૌધરી (બકલ નં. 330)ની ટીમને મુન્દ્રા બંદર ખાતે મોકલવામાં આવી હતી.

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત આયોજન અને સુમેળભરી કામગીરીના પરિણામે 115 પેકેટમાંથી કુલ 118.977 કિલોગ્રામ કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હતું. સાથે જ કન્સાઇનમેન્ટ પહોંચાડવા માટે જવાબદાર આરોપી જુમા નાસિર ઓમરની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે ATS પોલીસ સ્ટેશન ખાતે ગુનો ક્રમાંક III-03/2026 હેઠળ NDPS અધિનિયમની જોગવાઈઓ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર ઓપરેશનમાં ગુજરાત ATSના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉચ્ચ કક્ષાની ગુપ્ત માહિતી એકત્રિત કરવી, વ્યૂહાત્મક આયોજન કરવું અને ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે અસરકારક સંકલન સાધીને દેશવિરોધી પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની સતર્કતા અને બહાદુરીના કારણે મોટી માત્રામાં નશીલા પદાર્થો ભારતમાં પ્રવેશતા અટકાવવામાં સફળતા મળી તેમજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કને મોટો ફટકો પહોંચાડવામાં આવ્યો.

(8:02 PM IST)